નવી આશા અને ઉત્સાહ સાથે બુધવારથી અંગ્રેજી કેલેન્ડર 2025નો આરંભ થશે. દરમિયાન શહેરીજનો નવા પડકારો અને સપના સાથે નવા લક્ષ્યાંકો સર કરવાનો સંકલ્પ કરી રહ્યા છે. બીજી બાજુ 2025ના વર્ષમાં જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર પ્રમાણે અનેક રોચક ઘટનાઓ પણ બનશે. ખાસ કરીને લગ્ન આયોજનો માટે 2025નું વર્ષ શુકનવંતુ સાબિત થાય એમ છે, કારણ કે 2025ના વર્ષમાં 67 લગ્નમુહૂર્ત સાથે જ લગ્ન આયોજનોની ભરમાર જોવા મળશે. ખાસ કરીને ફેબ્રુઆરી માસમાં 15, મે માસમાં સૌથી વધારે 16 મુહૂર્ત રહેશે. જ્યારે માર્ચમાં માત્ર બે મુહૂર્ત આવશે.
ફેબ્રુઆરીમાં 15, મે માસમાં સૌથી વધારે 16 મુહૂર્ત, માર્ચમાં માત્ર બે મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સંવત-2081ની લગ્નસરાની સિઝન ઘણી સારી માનવામાં આવી રહી છે. ચાલુ સિઝનમાં દેવઊઠી એકાદશીના આરંભ સાથે જ લગ્નમુહૂર્તો શરૂ થયા હતા. હાલમાં સૂર્યદેવનું ધન રાશિમાં ભ્રમણ એટલે કે ધનારક કમુરતાને કારણે લગ્નકાર્યો પર બ્રેક લાગી ગઇ છે. મકરસંક્રાંતિ બાદ 16 જાન્યુઆરીથી ફરીવાર લગ્નની ઝાકમઝોળ શરૂ થશે.
હાલમાં કમૂરતાં બાદ 16 જાન્યુઆરીથી ફરીવાર લગ્નની ભરમાર દેખાશે
બીજી બાજુ 2025ના અંગ્રેજી કેલેન્ડર વર્ષની સ્થિતિ પર નજર કરીએ તો, આગામી 12 મહિનામાં લગ્નના 67 મુહૂર્ત રહેશે.15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક કમુરતા છે. મકરસંક્રાંતિ એટલે કે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતાં ઉતરશે અને લગ્નસરાની સિઝનનો પુનઃ આરંભ થશે. 16 જાન્યુઆરીના રોજ પહેલું મુહૂર્ત છે. મહિના પ્રમાણે ગણતરી કરવામાં આવે તો જાન્યુઆરીમાં 9, ફેબ્રુઆરીમાં 15, માર્ચ માસમાં 2, એપ્રિલ માસમાં 9, મે માસમાં 16, જૂન માસમાં 6, નવેમ્બરમાં 8 અને ડિસેમ્બર માસમાં 2 મુહૂર્ત રહેશે. 12 મહિનામાં વચ્ચે હોળાષ્ટક, મીનારક, શુક્ર-ગુરુનો અસ્ત, ચાતુર્માસ જેવા દિવસોમાં વિરામ રહેશે.
માર્ચમાં શુક્રના અસ્તને કારણે મોટો બ્રેક અને જૂનમાં ગુરુનો અસ્ત રહેશે
વર્ષ વેળાએ છ સંયોગમાં લગ્ન સહિતના શુભ કાર્યો થતા નથી. ધનારક અને મીનારક કમુરતાં, શુક્ર અને ગુરુનો અસ્ત, હોળાષ્ટક અને ચાતુર્માસ. હાલમાં 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક કમુરતાં છે. બાદમાં 6થી 13 માર્ચ સુધી હોળાષ્ટક, 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક કમુરતાં, 18થી 23 માર્ચ સુધી શુક્રનો અસ્ત, 11 જૂનથી 8 જુલાઇ સુધી ગુરુનો અસ્ત રહેશે.
જ્યારે દેવપોઢી એકાદશી સાથે 7 જૂન-2025થી હિન્દુ ચાતુર્માસ શરૂ થશે. 7 જૂનથી 2 નવેમ્બર-2025 સુધી 120 દિવસના ચાતુર્માસ રહેશે. ત્યારબાદ તિથિ-નક્ષત્રના સંયોગને કારણે 16 નવેમ્બર-2025થી ફરીવાર મુહૂર્ત શરૂ થશે. હાલમાં જાન્યુઆરી-2025માં 16, 17, 19, 20, 21, 22, 24, 26 અને 30 જાન્યુઆરીએ લગ્ન મુહૂર્ત છે. શુક્રના અસ્તને કારણે માર્ચ મહિનામાં માત્ર બે જ મુહૂર્ત છે. જ્યારે ગુરુના અસ્ત વચ્ચે 6 જ મુહૂર્ત રહેશે.