Vadodara Bhayli Case: વડોદરામાં નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દે તેવી દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં હવે મોટો ખુલાસો થયો છે. ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો કરાયો છે. ઘટનાના 17 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓ દુષ્કર્મના ઈરાદે જ ઘરેથી નીકળ્યાં હતાં.
ચાર્જશીટમાંથી સામે આવી ચોંકાવનારી ઘટના
પોલીસે 21 ઓક્ટોબરે ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ઉલ્લેખ હતો કે, આરોપીઓ પહેલાંથી જ એકલી જતી છોકરીને ટાર્ગેટ બનાવવા ઈચ્છતાં હતાં. મોકો મળતાં જ તેઓ દુષ્કર્મ કરવાના ઈરાદાથી રખડતા હતાં. એકલી મહિલાઓનો શિકાર બનાવવાના ઈરાદે બે આરોપીઓ બાઇક પર નીકળ્યા હતાં. ચાર્જશીટ મુજબ હવે આગામી 4 નવેમ્બરે તમામ આરોપીઓને પોક્સો કોર્ચમાં રજૂ કરવામાં આવશે.
શું હતી ઘટના?
ગત 4 ઓક્ટોબરે બીજા નોરતાની રાત્રે ભાયલીના સીમ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરાને ઝાડીમાં લઇ જઇને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું. બે બાઇક ઉપર આવેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપી જતા રહ્યા હતા જ્યારે 3 આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ગેંગરેપ, પોક્સો, લૂંટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો હતો. સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ માત્ર 11 દિવસના ગાળામાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.