વડોદરાના શાકમાર્કેટમાંથી ખરીદેલું શાક ખાતા પેહલા સાચવજો. વડોદરાના છાણી વિસ્તારમાંથી સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. તળાવના ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ રહી છે. શાકભાજીના વેપારી આખેઆખા ટેમ્પાને ટેમ્પા ભરીને શાક લઈ છાણી તળાવ પહોંચ્યા હતા. ગંદા પાણીમાં ખૂબ મોટી માત્રામાં શાકભાજી ધોવાય છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં છતાં તંત્ર અજાણ.
અગાઉ વલસાડમાં પણ આવો જ બનાવ બન્યો હતો
વલસાડમાં નહેરના ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે વલસાડના ચણવાઈ નજીકથી પસાર થતી નહેરના ગંદા પાણીમાં કેટલાક લોકો શાકભાજી ધોઈ રહ્યા હતા. નહેરની બાજુમાંથી પસાર થતા સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયા અને તેનો વિડીયો રેકોર્ડ કર્યો હતો.
લોકોએ હાટમાં શાકભાજીનું વેચાણ કરવાની વાત કબૂલી
આ દરમિયાન સ્થાનિકોએ ગંદા પાણીમાં શાકભાજી ધોનારા વ્યક્તિને કારણ પૂછતા તેમણે લગ્ન પ્રસંગ માટે ઉપયોગમાં લેવાતું શાકભાજી હોવાનું કહ્યું હતું. જે બાદ સ્થાનિકોએ વધુ પૂછપરછ કરતાં અંતે શાકભાજીનું ધોવાણ કરનારા લોકોએ હાટમાં શાકભાજીનું વેચાણ કરવાની વાત કબૂલી હતી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે, ગંદા પાણીમાં શાકભાજીનું ધોવાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવે છે.