– જવાબદાર અધિકારીઓ કચેરીમાં જોવા ન મળ્યા
– તહેવારને લઈને એડવાન્સમાં પગાર, બોનસ કે એરીયર્સ ન ચૂકવાતા પાલિકાના સફાઈકામદારોએ છાજિયા લીધા
સિહોર : પ્રકાશના મહાપર્વ દિપોત્સવીના તહેવારને લઈને દેશભરમાં ચોમેર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા તેના કર્મચારીઓને એકાદ સપ્તાહ અગાઉ જ પગાર તથા બોનસના ચૂકવણા કરાયા હતા. ત્યારે તેનાથી ઉલટુ ભાવનગર જિલ્લાની સિહોર નગરપાલિકાની જાણે કે, કંગાળ પરિસ્થીતિ સર્જાઈ હોય દિપોત્સવીની પર્વમાળાના પ્રથમ દિવસે પણ પગાર ન ચૂકવાતા પાલિકાના સફાઈકામદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. દિવાળી ટાણે જ હોળી જેવી સિહોર નગરપાલિકાની આ વિચિત્ર પરિસ્થિતિ ભાવનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલ છે.
સિહોર નગરપાલિકામાં સફાઈ કામદારોને દિવાળીના તહેવાર નિમીત્તે બોનસ, એરીયર્સ કે પગારના ચૂકવણા આજદિન સુધી કરવામાં આવ્યા ન હતા.દરમિયાન સોમવારે નીત્યક્રમ મુજબ ગેરેજ વિભાગમાં સફાઈકામદારો હાજરી પુરવા ગયા હતા ત્યારબાદ તેઓએ હાજર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પગાર, બોનસ અને એરીયર્સની પડતર માંગણી અંગે પૃચ્છા કરતા તેઓને સંતોષકારક જવાબ ન મળતા સેનેટરી ઈન્સ્પેકટર સામે સફાઈકામદારોએ રોષ ઠાલવી પાલિકાના છાજિયા લીધા હતા. પાલિકાની ભ્રષ્ટ નીતિરીતિ સામે તેઓએ પ્રબળ આક્રોશ વ્યકત કરી જણાવ્યુ હતુ કે, માત્ર ને માત્ર તેઓની પાસેથી કામગીરી કરાવાય છે, પરંતુ પગાર દેવા માટે કોઈ જવાબદાર અધિકારીઓ પાલિકામાં છે નહિ. દરમિયાન પાલિકાના ઈન્ચાર્જ એસ.આઈ. બળભદ્રસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, પગાર બાબતની જે ચર્ચા છે તે બાબત એકાઉન્ટ વિભાગ સંભાળી રહેલ છે અને હાલ એકાઉન્ટ વિભાગના અધિકારીઓ અને સાહેબ કોઈ કામ અર્થે અમદાવાદ ગયા હોય એટલા માટે આવતીકાલે એકાઉન્ટ શાખામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, પાલિકાની કંગાળ સ્થિતીના કારણે દિવાળીના તહેવારના દિવસોમાં પણ પગાર ન કરાતા સફાઈ કર્મચારીઓ દ્વારા ગેરેજ વિભાગમાં હલ્લાબોલ મચાવાયો હતો ત્યારે કોઈ જવાબદાર અધિકારીઓ કચેરીમાં હાજર જોવા મળ્યા ન હતા.