– આસ્થા એન્ટરપ્રાઈઝના મામા-ભાણેજ સહિત ચાર ભાગીદાર સામે ફરિયાદ : બે વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કર્યો નહીં, જેમતેમ સાત ફ્લેટના દસ્તાવેજ કર્યા બાદ ધમકી આપી અને બાદમાં તમામ ફ્લેટ બારોબાર વેચી દીધા
– ઉત્રાણના વેપારીની સોસાયટીમાં રહેતા ત્રણ બિલ્ડરે ભક્તિ હાઈટસમાં મોટી સંખ્યામાં ફ્લેટ બુક કરાવશો તો ફાયદો થશે કહી બુકીંગ કરાવ્યું હતું
સુરત, : સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા અને માંગરોળ હથુરણમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટસ બનાવતા મૂળ ભાવનગરના વેપારી પાસે મોટી સંખ્યામાં ફ્લેટ લેશો તો ફાયદો થશે કહી કોસાડ સ્થિત ભક્તિ હાઈટસમાં 37 ફ્લેટનું બુકીંગ કરાવી રૂ.5.10 કરોડ લઈ માત્ર સાત ફ્લેટના દસ્તાવેજ કરી બાદમાં બાકીના ફ્લેટનો દસ્તાવેજ કરી આપવાને બદલે ધમકી આપનાર આસ્થા એન્ટરપ્રાઈઝના મામા-ભાણેજ સહિત ચાર ભાગીદાર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.
ઈકો સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર જેસરના દેપલા ગામના વતની અને સુરતમાં ઉત્રાણ મારવેલ લકઝુરીયા ફ્લેટ નં.એ/702 માં રહેતા 47 વર્ષીય રમેશકુમાર માવજીભાઈ ધોળીયા સુરત જીલ્લાના માંગરોળ સ્થિત હથુરણમાં ફોરક્યુબ ઈન્ડસ્ટ્રીઝના નામે એલ્યુમિનિયમ પ્રોડક્ટસ બનાવે છે.