આદિવાસી સમાજના નેતા અને સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભુમિકા ભજવનાર બીરસા મુંડાની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે વઢવાણમાં અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ દ્વારા ઉજવણી કરી તેઓની પ્રતીમા સ્થાપવા અને ગંગાવાવ ચોકને તેમનું નામ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
19મી શતાબ્દીના અંતમાં બંગાલ પ્રેસીડેન્સી હાલના ઝારંખડ રાજયમાં તા. 15-11-1875ના રોજ ગરીબ ખેડૂત પરિવારમાં બીરસા મુંડાનો જન્મ થયો હતો. તેઓ આદિવાસી સમાજના નાયક હતા. અને સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનો રોલ તેઓનો હતો. મુંડા વિદ્રોહ આજે પણ તેમના નામથી પ્રચલીત છે. તા. 9-6-1900ના રોજ રાંચી જેલમાં તેઓનું મોત થયુ હતુ. હાલના ઝારખંડ રાજયને પણ તેમની પ્રેરણાથી બનાવાયુ છે. ત્યારે અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ દ્વારા શનિવારે તેઓની જન્મ જયંતીના 150 વર્ષની ઉજવણી અંતર્ગત વઢવાણના ગંગાવાવ ચોકમાં આવેલ ભીલપરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શૈક્ષીક સંઘના પ્રદેશ મંત્રી અસવાર દશરથસીંહ, જિલ્લા પ્રમુખ રણછોડભાઈ કટારીયા, આદિવાસી મોરચાના પ્રમુખ દિલીપભાઈ ડગરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓનું જીવન કવન રજૂ કરાયુ હતુ. જયારે તેમની જિલ્લામાં પણ એક પણ પ્રતીમા ન હોવાથી પ્રતીમા સ્થાપવા સંકલ્પ કરાયો હતો અને વઢવાણના ગંગાવાવ ચોકને તેમનું નામ આપવા નિર્ધાર કરાયો હતો. આ પ્રસંગે તેમના ફોટા સાથેની પત્રીકાનું પણ વિતરણ કરાયુ હતુ.