અમદાવાદ શહેરમાં મોટાભાગના બીઆરટીએસના બસ સ્ટેન્ડોમાં મુસાફરોની સવલત માટે મુકવામાં આવેલા બસોના ટાઇમટેબલ દર્શાવતા એલઇડી સ્ક્રીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડયા હોવાથી મુસાફરો બસોના ટાઇમિંગને લઇને અવઢવની સ્થિતિમાં મુકાઈ ગયા છે.
નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ, સોનીની ચાલી, નારોલથી-નરોડા અને સારંગપુરથી-ઓઢવ સુધીની મોટાભાગના બીઆરટીએસ બસ મથકે ટાઇમટેબલ દર્શાવતા એલઇડી સ્ક્રીન મોટાભાગના બંધ પડયા છે. બસ મથકોની સ્થિતિ પણ ખખડધજ થઇ જવા પામી છે. જે તે રૂટની બસ ક્યારે આવશે અને ક્યારે જેતે ગંતવ્ય સ્થળે પહોંચાડશે તે અંગે મુસાફરોને ચોક્કસ જાણકારી મળી ન રહેતા બસ સ્ટેન્ડે મૂંઝવણ ભરેલી સ્થિતિમાં બસની રાહ જોતા ઊભા રહે છે. અમદાવાદના જાહેર પરિવહનના મહત્ત્વકાંક્ષી બીઆરટીએસ પ્રોજેક્ટમાં સંપૂર્ણ ડિજિટલાઇઝેશ, ઓટોમેટિક સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય કક્ષાના બસ સ્ટેન્ડો ગણાવાયા હતા જે હાલ જાળવણીના અભાવે એક સાદા બસ સ્ટેન્ડમાં ફેરવાઇ ગયા હોવાનું મુસાફરો અનુભવી રહ્યા છે.