સુરતના કીમ ચાર રસ્તા નજીક 10 દિવસ અગાઉ મોડી રાત્રે ધૂમ સ્ટાઇલમાં કોઈને ગંધ પણ ન આવે એ રીતે યુનિયન બેન્કની દિવાલમાં બાકોરું પાડી લોકરો તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી છે. દિલ્હી, પંજાબ, બિહાર, વેસ્ટ બંગાળ રાજ્યો અને 500થી વધુ CCTV ખૂંદી 8 ઇસમને ઝડપી કુલ 53.58 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે ચોરીની ઘટનાના પ્લાન ઘડનાર માસ્ટર માઇન્ડ સુરજ ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે.
Union Bankને દસ દિવસ અગાઉ તસ્કરોએ નિશાન બનાવી હતી
સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક આવેલી યુનિયન બેન્કને દસ દિવસ અગાઉ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ બેંકની દિવાલમાં બાકોરું પાડી બેન્કનો સાયરન કેબલ કાપી કુલ 6 જેટલા લોકર તોડી નાખ્યા હતા અને ઠંડે કલેજે ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા. સવારે બેન્કના સ્ટાફે આવીને જોયું તો દિવાલમાં બાકોરું પડેલું હતું. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે સુરત જિલ્લા LCB, SOG તેમજ કોસંબા પોલીસ દોડતી થઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈને સુરત ગ્રામ્ય પોલીસવડા હિતેશ જોયસરે ગ્રામ્ય પોલીસની 12 જેટલી ટીમ બનાવી હતી.
ઘટનાને અંજામ આપનાર ગેંગ હાઈ પ્રોફેશનલ
ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતાં પોલીસને તુરંત જ ખ્યાલ આવી ગયો હતો કે, ઘટનાને અંજામ આપનાર ગેંગ હાઈ પ્રોફેશનલ છે અને તે સુરત જિલ્લો અથવા રાજ્ય છોડી ભાગી ગઈ હશે. જેને લઇને પોલીસે સુરતથી લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે, આરોપીઓ છૂટક છૂટક વાહનો કરી સુરતમાં પસાર થતાં નેશનલ હાઈવે પર પહોંચ્યા હતા. ત્યાંથી ભેગા થઈ એક ઓટો રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન ગયા હતા. જ્યાંથી લોકલ ટ્રેનમાં બેસી વડોદરા અને વડોદરાથી અન્ય ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં ચોરીના માલની ભાગ બટાઇ કરી બાદમાં છૂટા પડી ગયા હતા.
પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
રીક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન જઈ રહેલી ગેંગના સીસીટીવી ફૂટેજ તેમજ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ કઈ દિશામાં ગયા તેની કડી પોલીસને મળી હતી. જે કડીના આધારે પોલીસની અલગ અલગ ચાર ટીમ બિહાર, વેસ્ટ બંગાળ, દિલ્હી તેમજ પંજાબ રવાના થઈ હતી.
4 રાજ્ય ખૂંદ્યા બાદ પોલીસે 8 શખસને દબોચ્યાં
ખૂબ જ ગીચ અને પરપ્રાંતિય રહીશોની વસ્તી ધરાવતા દિલ્હીના નિહાર ખાતેથી સુરજ કુમાર ચંદ્રદેવ પ્રસાદ સિંગ અને બરખું કુમાર અર્જુન બિંદને ઝડપી લીધા હતા. જ્યારે પંજાબથી જય પ્રકાશ બાબુલાલ બિંદ તેમજ સુરતના ઓલપાડના સાયણ ખાતે મદદગારી કરનાર દીપક નંદલાલ મહતો અને યશ કુમાર રવિ મહાત્મા સંતાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તેઓને પણ દબોચી લીધા હતા.
પોલીસે જીવનું જોખમ ખેડી નક્સલી વિસ્તામાંથી 3ને ઝડપ્યાં
જ્યારે બિહાર રાજ્યમાં ભાગી ગયેલા કુંદન ધરણીધર બીદ, ખીરું ઉર્ફે મામો પ્રકાશ બીદ, બાદલ કુમાર ધર્મેન્દ્ર મહતો સક્રિય નક્સલ લાઈટ વિસ્તામાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે જીવનું જોખમ ખેડી બિહાર STF અને સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય આરોપીને દબોચી લીધા હતા. જ્યારે ચોરીની ઘટનાનો પ્લાન ઘડનાર સુરજ કુમાર ભરત લુહાર પોલીસને હાથે લાગ્યો ન હતો. પોલીસે તમામ આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક પિકઅપ બોલેરો, મોબાઈલો, રોકડા મળી કુલ 53.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સતત 20 દિવસ બેંકની રેકી કરી હતી
ઝડપાયેલા આરોપીઓની પોલીસ કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે, પોલીસ પકડથી દૂર રહેલો સુરજ ભરત લુહાર કે જેણે સતત 20 દિવસ બેંકની રેકી કરી હતી. ક્યાંથી ઘૂસવું, ક્યાંથી ભાગવું, કઈ રીતે પોલીસથી બચવું આ તમામ ફુલપ્રુફ પ્લાન તેણે ઘડી નાખ્યો હતો. જે બાદ પોતાના વતન જઈ બીજા ઈસમો સાથે સંપર્ક કર્યો હતો અને બેંકની દિવાલ તોડવા ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, બ્રેકર મશીન તેમજ લોખંડની કોશનો બંદોબસ્ત કર્યો હતો. જે બાદ અંતે પ્લાન મુજબ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.