શિયાળામાં કકડતી ઠંડી પડી રહી છે. આવા સમયમાં વસાણા ખાવાની પણ એક જ મજા છે. મેથીના લાડુ, ગુંદ, પેંદ તથા ખારેક અને નારિયેળ તેમજ ખજૂરના લાડુ પણ ખાવામાં આવે છે. ત્યારે આજે આપણે ખજૂરના લાડુ બનાવવાની રીત જાણીશું, આમ તો ખજૂરના લાડુ બધા બનાવતા જ હોય છે પરંતુ આજે આપણે કંઇક અલગ અને વિટામિન્સથી ભરપૂર ન્યુટ્રીશનલ લાડુ બનાવીશું,
લાડુ બનાવવા માટે શું જોઇએ.
- 500 ગ્રામ ઠળીયા કાઢેલી ખજૂર
- 50 ગ્રામ સૂર્યમુખીના બીજ
- 50 ગ્રામ પમ્પકિનના બીજ
- 50 ગ્રામ અળસી
- 50 ગ્રામ ચિયા સિડ્સ
- 50 ગ્રામ બદામ
- 50 ગ્રામ કાજુ
- 50 ગ્રામ તલ
- 50 ગ્રામ અખરોટ
- 100 ગ્રામ ગાયનું ઘી
- 1 ચમચી સૂંઠ પાવડર
- 1 ચમચી ગંઠોડા પાવડર
બનાવવાની રીત
- સૌ પ્રથમ તો આપણે એક પેન લઇશું. તેમાં બધા જ સીડ્સ મિક્સ કરી લો. હવે આ સિડ્સનું મિશ્રણ ધીમા આંચે શેકો. 10થી 15 મિનિટ ધીમા આંચે શેકાઇ ગયા પછી ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.
- હવે આ મિશ્રણ ઠંડુ થાય તેની રાહ જુઓ. ત્યાં સુધીમાં ઠળિયા કાઢેલી ખજૂરને ધોઇ લો. કોરી કર્યા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- હવે સીડ્સનું જે મિશ્રણ છે તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં ખજૂરનું મિશ્રણ નાંખીને ધીમા આંચે શેકી લો.
- હવે ખજૂરની અંદર સીડ્સનો ભૂક્કો નાંખી દો.
- તેમાં સૂંઠ અને ગંઠોડા પાવડરને નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે મિશ્રણ આખુ બરાબર મિક્સ થઇ જાય એટલે તેના નાના નાના ગોળા વાળી લો.
- આ ગોળાને સિડ્સના ભૂક્કામાં રગદોળી લો. બસ તૈયાર છે ખજૂરના લાડુ