રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પ્રમુખ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીના હસ્તે નેશનલ, ઇન્ટરનેશનલ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવા વિશેષ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ 56 પ્રતિભાશાળી ખેલાડીઓને કુલ 1.88 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઇન્ટરનેશનલ સ્તેર સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સર્વાધિક એક કરોડ રૂપિયાનો ચેક અપાયો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મેડલ જીતવાનું સ્વપ્ન જોવું તે ખેલાડીઓનો હક છે અને તેને પૂરું કરવા મહેનત કરવાની જવાબદારી ખેલાડીની છે. આ ખેલાડીને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવી તે રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર ટેલેન્ટેડ ખેલાડીઓ માટે તમામ તક ઉભી કરવા માટે તૈયાર છે. ગુજરાત રમતગમતોમાં વેગવંતો વિકાસ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રત્યેક ખેલાડીઓનો લક્ષ્યાંક માત્ર ઓલિમ્પિક જ હોવો જોઇએ. નોંધનીય છે કે છેલ્લા એક દશકામાં ગુજરાતના 1627 રમતવીરોને કુલ 24.07 કરોડ રૂપિયાથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા છે.એવોર્ડ સમારંભમાં એસએજીના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામા, સચિવ આઇ. આર. વાળા, સંયુક્ત સચિવ બી. કે. વસાવા, ઉપસચિવ નીલેશ ડામોરે હાજર રહીને ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી હતી.