ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઉર્વિલ પટેલે ત્રિપુરા સામે સૈયદ મુશ્તાક અલીગ ટ્રોફી ટી20ની મેચમાં માત્ર 28 બોલમાં સદી ફટકારીને ટી20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારવાનો નવો ભારતીય રેકોર્ડ નોંધાવ્યો હતો. ઉર્વિલે લગભગ એક વર્ષ પહેલાં લિસ્ટ-એામાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે પોતાનું નામ નોંધાવ્યો હતો.
ટી20 ક્રિકેટમાં 26 વર્ષીય ઉર્વિલે રિષભ પંતનો ભારતીય રેકોર્ડ તોડયો હતો જેણે 2018ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હિમાચલપ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે ઉર્વિલ ટી20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવવાના મામલે ઓવરઓલ બીજા ક્રમે છે.વર્લ્ડ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે જેણે સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી.
ત્રિપુરા સામે ઓપનર તરીકે બેટિંગમાં આવેલા ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા જેમાં સાત બાઉન્ડ્રી તથા 12 સિક્સર સામેલ હતી. તેની આક્રમક સદીની મદદથી ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 156 રનના ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઉર્વિલે આ પહેલાં ચંડીગઢ ખાતે અરુણાચલપ્રદેશ સામે વિજય હઝારે ટ્રોફીની મેચમાં 41 બોલમાં 100 રનની ઇનિંગ હતી જે લિસ્ટ એમાં કોઈ ભારતીય બેટ્સમેનની બીજી ફાસ્ટેસ્ટ સદી રહી હતી. મેચમાં ગુજરાતે ત્રિપુરાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ત્રિપુરાના આઠ વિકેટે 155 રનના જવાબમાં ગુજરાતે બે વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ગુજરાત માટે ચિંતન ગજાએ 18 રનમાં બે તથા અરઝાન નાગવાસવાલાએ 35 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઓપનર આર્યા દેસાઇએ 38 રન બનાવ્યા હતા.