નસવાડી બજારમાં 150 ટન સોયાબીનની રોજની આવક થઈ રહી છે. દાણામાં દાગ હોવાથી બજારમાં ભાવ ઓછો મળતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.જિલ્લામાં 20 હજાર હેકટર જમીનમાં સોયાબીનની ખેતી કરાઇ હતી.
પરંતુ વધુ વરસાદના કારણે સોયાબીનના પાકમાં સડો લાગી જવાથી પાકમાં નુકસાન થયું છે. નસવાડીએ કાચા માલનું મોટું વેપારી બજાર છે. જ્યાં તાલુકા અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનો કાચોમાલ વેચવા માટે આવે છે. નસવાડી બજારમાં હાલ રોજની 150 ટન (1500 કવીંટલ) સોયાબીનની આવક થઈ રહી છે. પરંતુ માલ દાગી અને વજનમાં ઓછું ઉતરતું હોવાથી ખેડૂતોને ભાવ ઓછો મળે છે.
હાલ 20 કિલો સોયાબીનના 860નો ભાવ મળી રહ્યો છે. જે ગત વર્ષ 1100ના ભાવની સરખામણીમાં ખૂબ ઓછા કહી શકાય. મોટા ભાગના ખેડૂતોએ પાક માટે ખર્ચેલા નાણાં પણ પાછા ન મળતા ખેડૂતોના માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
અતિવૃષ્ટિને પગલે સોયાબીનની ખેતીને અસર
ખેડૂત હરસિંગભાઈ રાઠવાના જણાવ્યા મુજબ, સતત વરસાદને કારણે જે પ્રમાણે સોયાબીનના પાકનું ઉત્પાદન થવું જોઈએ તેવું થયું નથી. વધુમાં દાણામાં દાગ લાગવાથી બજારમાં ભાવ ઓછા મળી રહ્યાં છે.