નર્મદા જિલ્લામાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. અને સાંસદ મનસુખ વસાવા દ્વારા આ કાર્યક્રમમાં સરકારી યોજના વિશે બોલતા કહ્યું કે, સરકારી આવાસો અનેક લોકોને મળ્યા નથી, સરકારી બાબુઓએ માત્ર પેપર પર આવાસો બનાવી દીધા છે સાથે જે ગરીબો માટે સાધન સહાય અપાવામાં આવે છે, તેમાં પણ વચેટીયા હોય છે.
વચેટીયાઓ ગરીબો પાસેથી સાધન ઓછી કિંમતે ખરીદે છે
વધુમાં વસાવાએ કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને જે સાધન સહાય આપવામાં આવે છે તે સાધન સહાયની કેટલી કિંમત હોય છે તે ગરીબોને ખબર હોતી નથી જેથી વચેટીયાઓ ગરીબોને ઓછી રકમ આપીને સાધન સામગ્રી લઈ લેતા હોય છે. તેમજ દૂધ મંડળીઓ સામે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર ગાય અને ભેંસો માટે જે મંડળીઓને સહાય કરે છે તેવી મંડળીઓ વાસ્તવિક રીતે ચાલતી જ નથી. તેમજ ગરીબ કલ્યાણ મેળામાં મળતી સહાય લોકો ભંગારમાં વેચી દેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
સાયકલો ભંગાર થતા સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી
વસાવાએ વધુમાં કહ્યું કે, સરકાર પારદર્શક વહીવટની વાત કરે છે ત્યારે મારી પણ લોકોને વિનંતી છે કે, સરકાર દ્વારા ગરીબોને જે સહાય આપવામાં આવે છે, જે સાધનો આપવામાં આવે છે તે સાધનોનો યોગ્ય ઉપયોગ કરો. ગરીબ કલ્યાણ મેળાની સાઈકલો જે ગરીબો સુધી નથી પહોંચતી જે સાઈકલો ધૂળ ખાય છે કાતો ભંગાર વાળાને વેચી દેવામાં આવી છે. જેથી આ મુદ્દે હવે સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં 16 હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો
આજે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળા અન્વયે જિલ્લાના 16 હજારથી વધુ લાભાર્થીઓને 27 કરોડ જેટલી સહાયના ભાગરૂપે વિવિધ યોજનાઓના લાભ સાથે સાંકળી લેવામાં આવ્યા હતા.
ગરીબ કલ્યાણ મેળાને જરૂરિયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ ગણાવતાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકાર અને ગુજરાત સરકાર વંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર છે. આજે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામજ કલ્યાણ સહિતના તમામ ક્ષેત્રે માળખાગત સુવિધા ઉપલબ્ધ બની છે. સરકારના મહિલા સશક્તિકરણ તરફના સરકારના ક્રાંતિકારી પગલાંઓની કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું મહિલાઓને પગભર બનાવવા માટે બજેટમાં પણ મહિલાલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટેકનોલોજી ક્ષેત્રે દેશ અગ્રેસર બન્યો છે જેના કારણે ગરીબોને તમામ યોજનાનો લાભ આંગળીના ટેરવે સીધો શક્ય બન્યો છે તેવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ તકે સ્વચ્છતા હી સેવા એક પેડ મા કે નામ સેવા સેતુ તથા પ્રાકૃતિક ખેતી સહિતના અભિયાનમાં સહભાગી બનવા તેમણે સૌને અપીલ કરી હતી.