મહેસાણા જિલ્લામાં ભુતીયા રાશનકાર્ડ શોધી કાઢવા માટે કરવામાં આવેલી ઈ-કેવાયસીની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ફ્ળ સ્વરૂપે અહીં મામલતદાર કચેરીમાં કરવામાં આવેલી કામગીરીમાં મહેસાણા જિલ્લામાંથી 54.02 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
જો કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હજુ પણ કામગીરી કરવાની બાકી છે. પરંતુ, શરૂઆતના દિવસોમાં જે રીતે મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા માટે અરજદારોની કતારો લાગતી હતી. તેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ્, વડી કચેરી તરફ્થી ઈ-કેવાયસીની કામગીરી આગામી 15, ફેબ્રુઆરી સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
મહેસાણા મામલતદાર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ છેલ્લા ત્રણ મહિનાથી રેશનકાર્ડને ઈ-કેવાયસીનું કવચ પહેરાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ઈ-કેવાયસી માટે મોટી સંખ્યામાં રાશનકાર્ડ ધારકો મામલતદાર કચેરીમાં ઉમટી પડયા હતા. અરજદારોના ધસારાને લઈને મામલતદાર કચેરીનો સ્ટાફ્ તેમજ ખુદ અરજદારો પણ પરેશાન થયા હતા.
કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ગત તા.2 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં 57.47 ટકા કામગીરી પૂર્ણ કરીદેવામાં આવી છે. જ્યારે 42.53 ટકા કામગીરી હજુ બાકી છે. બીજી તરફ્, મહેસાણા શહેરમાં ઈ-કેવાયસીની 48.41 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેની સામે 51.59 ટકા કામગીરી બાકી રહી છે. જો કે, આ કામગીરી આગામી 15મી ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવાની સૂચના ઉચ્ચ કક્ષાએથી મળી હોવાનું મામલતદાર ગૌતમ વાણીયાએ જણાવ્યું હતું.