પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પ્રેમના આદાન પ્રદાનના પ્રતીક રૂપ વેલેન્ટાઈલ ડે અને તે પૂર્વેના વસંત પંચમીના વેલેન્ટાઈન વીક ભારતીય સંસ્કૃતિમાં લગ્નના સાત ફેરા સાથે તાદાત્મ્ય ધરાવે છે. ઋષિ પરમ્પરા અનુસાર જન્મોજન્મનો સાથ નિભાવવાના કોલ સાથે એકબીજાને ફૂલહાર પહેરાવતાં અગાઉ સાત ફેરામાં જીવનભરની વફાદારીના સોગંધ લેવાય છે.
આ જ પ્રમાણે પશ્ચિમી સંસ્કૃતિમાં વેલેન્ટાઈન ડે અંગે પ્રેમના આદાન પ્રદાનના પૂર્વે સાત દિવસ સુધી નક્કી કરેલી રસમ નિભાવવામાં આવે છે.તા. 14મી ફેબ્રુઆરીએ ઉજવાતા વેલેન્ટાઈન ડે પહેલાં 7મીથી ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ દિવસે બન્ને પાત્રો એક બીજાને ફૂલ આપી પોતપોતાની લાગણીઓ વ્યકત કરે છે. બીજો દિવસ છે. પ્રપોઝ ડે. પ્રકૃતિ જ્યાં સોળે કળાએ ખીલી હોય ત્યાં જઈ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારબાદ 9મી ફેબ્રુઆરીથી ત્રીજા દિવસે બંને પાત્રો એકબીજાને ચોકલેટ આપી મોં મીઠાં કરાવે છે. સ્ત્રીને પ્રિય હોય છે બાળક. માટે પ્રેમી તેને ચોથા દિવસે ટેડી ગિફટ કરે છે. પાંચમા દિવસે પ્રિય પાત્રો એક બીજા સાથે વચન બધ્ધતાથી બંધાય છે. જેને પ્રોમિસ ડે પણ કહેવામાં આવે છે. આટલી વિધિ પૂર્ણ કર્યા બાદ બંને પ્રિય પાત્રો એક બીજાને આલિંગન આપે છે અને સાતમા અંતિમ દિને બંને એક બીજાને ચુંબનથી નવાજે છે અને પોતાની જીવનસંગિની હોવાનો અહેસાસ કરાવે છે. છે ને ભારતીય લગ્ન જીવનના સાત ફેરા જેવા પાશ્ચાત્ય સંસ્કૃતિના સાત વ્યવહારો?