રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સોલાર પેનલ લગાવવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા નગરપાલિકા ખાતે આવેલ વોટર વર્ક્સના ચાર યુનિટ પર કુલ 425.87 લાખના ખર્ચે 566.23 KWની ક્ષમતાનો સોલાર પેનલ સિસ્ટમ ઈન્સ્ટોલેશન કરવાનું કામ મંજુર કરાયું હતું. સોલાર પેનલ સિસ્ટમની કામગીરી માટે સરકારે GUDCને કામગીરી સોંપી હતી.
અગાઉના ટેન્ડર દ્વારા આ કામગીરીનો મહેસાણા મનપામાં પ્રારંભ કરાયો હતો. મહેસાણા મનપાના વોટર વર્ક્સના ચાર યુનિટ પર લાગનાર સોલાર પેનલ સિસ્ટમમાં 44.83 લાખના ખર્ચે વોટર વર્ક્સમાં 62.10 KW ક્ષમતાની સોલાર પેનલ, 63.94 લાખના ખર્ચે નાગલપુર સંપ પર 88.57 KWની ક્ષમતાની સોલાર પેનલ, 240.99 લાખના ખર્ચે સધીમાતા સંપ પર 308.64 KW ક્ષમતાની સોલાર પેનલ અને 76.71 લાખના ખર્ચે મહાશક્તિ પમ્પ પર 106.92 KWની ક્ષમતાની સોલાર પેનલ સિસ્ટમ લગાવવાનું કામ શરૂ કરાયું છે. આ સોલાર પેનલ સિસ્ટમના ઈન્સ્ટોલેશન માટે અગાઉ નગરપાલિકા સમયે 6 માસ અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. જ્યારે હવે નક્કી કરેલ આ વિવિધ સ્થળે સોલાર પેનલ લાગી જતા મહેસાણામનપા માટે ઉત્પન્ન થતી કુલ 566.23 KWની વીજળી વીજ વપરાશના બીલમાં આર્થિક રીતે મોટી રાહત આપશે. સોલાર પેનલ થકી ઉતપન્ન થતી વીજળીનો લાભ વોટર વર્ક્સના ઇલેક્ટ્રિક પમ્પના ઇલેક્ટ્રિક બીલમાં જનરેટ થતા ચોક્કસ પણે મનપાની તિજોરીમાં સૂર્ય પ્રકાશની ઉર્જા વિદ્યુત ઉર્જા બની આર્થિક સહાય પુરી પાડશે.