ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. હાલ શેત્રુંજી ડેમમાં ધસમસતા પ્રવાહની આવક શરૂ થવા પામી છે. જેમાં શેત્રુંજી ડેમમાં હાલ 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે. તેમજ શેત્રુંજી ડેમની સપાટી વધીને 29 ફૂટ 8 ઇંચ પહોંચી છે.
શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે
શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. તેમજ સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો છે. તેમાં ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે. 6493 ક્યૂસેક પાણીની આવક સામે 6493 ક્યૂસેક જાવક છે. ભાદર ડેમના 7 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. તેમજ લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગત રાત્રીથી શરૂ થયેલી મેઘરાજાની ભારે બેટિંગ બીજા દિવસે પણ રાત્રી દરમિયાન સુધી યથાવત રહી છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસવાથી નદી, નાળાઓ છલકાઈ ગયા છે.
10 તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે
10 તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે, ત્યારે બસ તણાવી તેમજ અન્ય એક ઘટનામાં બાળકી તણાવી તથા અન્ય ઘટનામાં વીજળી પડવાથી બળદના મોત થવા જેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગત રાત્રે 6 જેટલા તાલુકામાં મેઘવર્ષા થઈ હતી. ધીમેધાર બાદ વરસાદ થવાને કારણે જિલ્લાના 10 તાલુકાઓમાં ઘણો વરસાદ નોંધાવવા પામ્યો છે, ત્યારે જોઈએ તો રાત્રીના આઠ કલાક સુધીમાં કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગે વરસાદના આંકડા આ પ્રમાણે દર્શાવ્યા હતા. વલભીપુર 101 એમએમ, ઉમરાળા 49 એમએમ, ભાવનગર 86 એમએમ, ઘોઘા 115 એમએમ, સિહોર 80 એમએમ, ગારીયાધાર 31 એમએમ, પાલીતાણા 92 એમ એમ, તળાજા 39 એમએમ, મહુવા 52 એમએમ અને જેસર 47 એમએમ વરસાદ નોંધાયો છે.