– BoM બેઠક આડે સાત દિવસ બાકી
– ઇ.સી.નો એજન્ડા પૂર્ણ થશે તો BoMમાં બહાલીને અવકાશ રહેશે : ઇ.સી. ક્યારે મળશે તેને લઇ હજુ પણ તંત્ર અવઢવમાં
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નવો એક્ટ લાગુ થતા ઇ.સી. અને બોર્ડની રચના કરાઇ. સામાન્ય રીતે ઇ.સી. સભા બાદ બોર્ડની બેઠકમાં આખરી નિર્ણય લેવાતો હોય ત્યારે ઇ.સી. સભા મોકુફ રહી છે અને બોર્ડની બેઠકને આડે હવે સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે ઇ.સી. પૂર્ણ કરવી અનિવાર્ય બની છે. જે અંગે યુનિ. કેમ્પસમાં ચર્ચા જાગી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના જરૂરી વહિવટી કામના પ્રશ્નોના નિરાકરણ અને નવા ઠરાવોનો નિર્ણય ઇ.સી. સભામાં થતો હોય છે અને નવા એક્ટ મુજબ ઇ.સી. ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટનો કન્ટ્રોલ મુકાયો છે ત્યારે અગાઉ યુનિવર્સિટી દ્વારા ૨૧મી સપ્ટે.એ ઇ.સી. સભા અને ૫ ઓક્ટો. બોર્ડની બેઠક નિશ્ચિત કરી હતી. જેથી ઇ.સી. સભામાં લેવાયેલ નિર્ણયો પર બોર્ડમાં બહાલી કે ફેરફારને પૂર્ણ અવકાશ રહે. જો કે, ગઇ તા.૨૧મીના રોજ મળેલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં ૧૦૦ મુદ્દા ચાલ્યા બાદ બાકીના ૨૮ મુદ્દા માટે એડઝન્ડ થવા પામી હતી. અને સોમવારે તા.૨૩ નક્કી થઇ પરંતુ બે ઇ.સી. સભ્યોએ અનુકુળતા ન બતાવતા અંતે સોમવારની ઇ.સી. પણ મોકુફ રખાઇ હતી અને આ અધુરી ઇ.સી. પૂર્ણ ક્યારે કરવી તેની તારીખ હજુ સુધી નિશ્ચિત નથી કરાઇ. જો કે, ઇ.સી. બેઠકમાં લીધેલા મુસદાને બોર્ડમાં બહાલી કે ચર્ચા કરવાની હોય છે અને આગામી તા.૫ ઓક્ટોબરે બોર્ડની બેઠક નક્કી થઇ છે ત્યારે આ સાત દિવસના સમયગાળામાં ઇ.સી. સભા પૂર્ણ કરવી અનિવાર્ય બની છે ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી અધુરી ઇ.સી. ક્યારે મળશે તે અંગે નિર્ણય કરવો રહ્યો જે માટે કા.કુલપતિ મગનું નામ મરી પાડતા નથી કે કોઇ ઇ.સી. સભ્યો પણ રસ દાખવતા ન હોવાની કેમ્પસમાં ચર્ચા છે ત્યારે વહિવટી ગુચ વધુ મજબૂત બને તે પહેલા તેનું નિરાકરણ લાવવું પણ જરૂરી બન્યું છે.