સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલી IPL 2025 મેગા ઓક્શનમાં પ્રથમ દિવસે જ હરાજીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. રિષભ પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પ્રથમ દિવસે 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા જ્યારે 12 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા હતા. જેમાં એક ખેલાડીએ પોતાની કપ્તાનીમાં ટીમ માટે આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે.
અનસોલ્ડ રહ્યા આ 12 ખેલાડીઓ
મેગા ઓક્શનના પ્રથમ દિવસે ચાહકો માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદને પોતાની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનાવ્યું હતું, તે વેચાયા વગરનો રહ્યો. આ દિગ્ગજ ખેલાડીમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નથી. ડેવિડ વોર્નરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. આ સિવાય ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોને પણ મેગા ઓક્શનમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા ટીમ ઈન્ડિયાના ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલ પણ આ વખતે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા.
અનસોલ્ડ ખેલાડીઓની પૂરી લિસ્ટ
ડેવિડ વોર્નર, દેવદત્ત પડિક્કલ, જોની બેયરસ્ટો, વકાર સલામખેલ, અનમોલપ્રીત સિંહ, યશ ઢુલ, ઉત્કર્ષ સિંહ, ઉપેન્દ્ર યાદવ, લવનીથ સિસોદિયા, કાર્તિક ત્યાગી, પીયૂષ ચાવલા અને શ્રેયસ ગોપાલ.
શ્રેયસ અને વેંકટેશ પર પૈસાનો વરસાદ
શ્રેયસ ઐયર હવે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. શ્રેયસ ઐયર, જેણે કેકેઆરને છેલ્લી વખત તેની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનાવ્યું હતું, તે આ વખતે પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય KKRએ વેંકટેશ અય્યરને ફરીથી 23.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.