ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમ કોઈ ફેરફાર કરશે કે પછી છેલ્લી મેચની પ્લેઈંગ-11 સાથે રમશે તે જોવું રસપ્રદ રહેશે. પ્લેઈંગ-11ને લઈને ટીમના બેટિંગ કોચે મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્મા એન્ડ કંપનીએ પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમને હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ચેપોક મેચમાં ભારતે 280 રનથી જીત મેળવી હતી. હવે ટીમની નજર ક્લીન સ્વીપ કરવા પર રહેશે.
અભિષેક નાયરે પ્લેઈંગ ઇલવનને લઈને કર્યો ખુલાસો
ભારતીય ટીમના બેટિંગ કોચ અભિષેક નાયરે પુષ્ટિ કરી છે કે પ્લેઈંગ ઈલેવન મેચના દિવસના આધારે નક્કી કરવામાં આવશે, કારણ કે ગ્રીન પાર્કમાં બે પીચો તૈયાર કરવામાં આવી છે. એક કાળી માટીની સપાટી, જે સ્પિનરોને મદદ કરે તેવી અપેક્ષા છે અને બીજી લાલ માટીની વિકેટ જે શરૂઆતમાં ઝડપી બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. નાયરે કહ્યું, ‘ટીમ કોમ્બિનેશન નક્કી કરવામાં સ્થિતિ એક મોટું પરિબળ હશે. દરેક જણ ઉપલબ્ધ છે અને અમે આવતીકાલે અમારી ટીમને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પીચ કેવી રીતે વર્તે છે તે જોઈશું.
કઈ પીચ પર મેચ રમાશે?
ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને આ મેચ માટે બે પીચો તૈયાર કરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મેચની પૂર્વ સંધ્યાએ બંને પીચનું નિરીક્ષણ કર્યું હતું. મેચના પહેલા દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નાયરે મેચના એક દિવસ પહેલા કહ્યું, ‘સાચું કહું તો મને ખબર નથી કે મેચ કઈ પીચ પર રમાશે. બંને પિચ સારી દેખાઈ રહી છે. કાનપુર સારી પિચો તૈયાર કરવા માટે જાણીતું છે. અત્યારે મને ખબર નથી કે આમાં વધારો થશે કે નહીં.
પ્લેઈંગ-11માં થઈ શકે છે ફેરફાર
કાનપુર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ-11માં ફેરફાર જોવા મળી શકે છે. બોલિંગ કેમ્પમાં આ ફેરફાર થઈ શકે છે. ચેન્નાઈમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત બે સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરો સાથે રમ્યું હતું. જો ભારત બીજી ટેસ્ટ મેચમાં ત્રણ સ્પિનરો સાથે રમે છે તો અક્ષર પટેલ, કુલદીપ યાદવને પ્લેઈંગ-11માં સ્થાન મળવાનું નિશ્ચિત છે. જ્યારે ભારતે ગ્રીન પાર્ક ખાતે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી ત્યારે સ્પિનરોએ 19માંથી 17 વિકેટ લીધી હતી. પરિણામે કુલદીપ યાદવ પાસે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાની સારી તક છે. તે પ્રેક્ટિસ દરમિયાન પણ સખત મહેનત કરતો જોવા મળ્યો હતો.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત (wk), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આકાશ દીપ