Car Summon Feature: ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ તેની ડ્રાઇવરલેસ કાર બનાવતી કંપની ટેસ્લાના નવા ફીચર વિશે જાહેરાત કરી છે. ટેસ્લા દુનિયાભરમાં ઓટોમેટિક ચાલતી હોવાથી ખૂબ જ જાણીતી છે. આ કાર બેટરી પર ચાલે છે અને એમાં ઘણાં અદ્ભુત ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ છતાં ટેસ્લા દ્વારા નવા નવા ફીચર્સને લોન્ચ કરવામાં આવી રહ્યાં છે.
જેમ્સ બોન્ડની કારની કલ્પનાને હકિકત બનાવી
જેમ્સ બોન્ડની ફિલ્મમાં તેની કાર ઓટોમેટિક તેની પાસે આવી રહી છે. 1997માં આવેલી ‘ટુમોરો નેવર ડાઇસ’માં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર પિયર્સ બ્રોસનન તેની BMW 750i કારને મોબાઇલનો ઉપયોગ કરીને પાછળની સીટ પર બેસીને કન્ટ્રોલ કરે છે. આ ફીચર ફક્ત એક કલ્પના હતી, પરંતુ ઇલોન મસ્ક એક સ્ટેપ આગળ વધીને તેની કારને કન્ટ્રોલ કરવાની જગ્યાએ પોતાની પાસે બોલાવી છે. તેણે એને હવે હકિકત બનાવી દીધું છે.
ઓટોમેટિક આવી જશે માલિક પાસે
ટેસ્લા દ્વારા સ્માર્ટ સમન ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી કારનો માલિક તેની કારને પોતાની પાસે બોલાવી શકશે. આ ફીચર પાર્કિંગ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. પાર્કિંગમાં કાર મૂકી હોય અને માલિકે પાર્કિંગમાં ચાલીને કાર પાસે ન જવું હોય તો એ માટે કારને સમન કરી શકાશે. આથી કાર જાતે માલિક પાસે આવીને ઊભી રહી જશે. આ માટે એક વિડિયો શેર કરીને ટેસ્લા અને ઇલોન મસ્ક દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે. આ કાર પાર્કિંગમાંથી માલિક પાસે આવી જશે એટલું જ નહીં, પરંતુ તને ઉતારીને સ્પેસિફિક જગ્યા પર પાર્ક પણ થઈ જશે. ઉદાહરણ તરીકે, કોઈએ મોલમાં જવું હોય તો વ્યક્તિને મોલના ગેટ પાસે ઉતારીને કાર ઓટોમેટિક પાર્ક થઈ જશે. તેમ જ મોલમાંથી બહાર નીકળતી વખતે એ વ્યક્તિ સમન કરતાં કાર ફરી તેની પાસે આવી જશે.
લોન્ગ રેન્જમાં કામ કરશે?
કંપની દ્વારા હાલમાં પાર્કિંગ માટે આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે એ ફીચર લોન્ગ રેન્જ માટે પણ લોન્ચ કરવામાં આવે તો નવાઈ નહીં. એટલે કે એરપોર્ટ પર અથવા તો રેલવે સ્ટેશન પર લેવા અને મૂકવા જવા માટે પણ આ કારનો ઉપયોગ કરવામાં આવી શકે તો નવાઈ નહીં. આ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું તો ટેક્સી બિઝનેસ પર માર પડી શકે છે.