ભારતીય ટીમે જુનિયર એશિયા કપ હોકીમાં થાઇલેન્ડને 11-0ના જંગી માર્જિનથી હરાવીને પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત માટે અરાયજિતસિંહ હુંડલે બીજી અને 24મી, ગુરજોતસિંહે 18મી તથા 45મી, સૌરભ કુશવાહાએ 19મી તથા બાવનમી, અર્શદીપસિંહે આઠમી, દિલરાજસિંહે 21મી, મુકેશ ટોપ્પોએ 50મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યા હતા.
શારદાનંદ તિવારીએ 10મી મિનિટે પેનલ્ટી કોર્નર ઉપર તથા રોહિતે 29મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક ઉપર ગોલ કર્યા હતા. ગ્રૂપ-એમાં ભારતની સાથે જાપાન, સાઉથ કોરિયા અને તાઇવાનની અન્ય ટીમો છે. ગ્રૂપ-બીમાં પાકિસ્તાન, મલેશિયા, ચીન, બાંગ્લાદેશ અને ઓમાન સામેલ છે. ભારતે થાઇલેન્ડ સામે પ્રથમ ક્વાર્ટરમાં જ ત્રણ ગોલ ફટકારી દીધા હતા અને હાફ ટાઇમે 8-0ની લીડ સાથે મુકાબલો એકતરફી બનાવી લીધો હતો. કોરિયા બે મેચ રમ્યું છે અને બંનેમાં વિજય હાંસલ કરી સાત ગોલના ફરક સાથે કુલ છ પોઇન્ટ મેળવીને ગ્રૂપ-એમાં ટોચના ક્રમે છે. ભારત અને જાપાન એક-એક મેચમાં 3-3 ગોલ સાથે બીજા અને ત્રીજા ક્રમે છે.