ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં લેબેનોનમાં રહેલું જૂથ હિઝબુલ્લાએ ગઈકાલે ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂના નિવાસ સ્થાને ડ્રોન હુમલા કર્યા જેને લઈ નેતન્યાહૂનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું કે, ઈરાનના પ્રોક્સી હિઝબુલ્લા દ્વારા આજે મારી પત્ની અને મારો હત્યાનો પ્રયાસ કરવાનો પ્રયાસ એક ગંભીર ભૂલ હતી. આ મને અને ઈઝરાયલના અમારા ભવિષ્યને સુરક્ષિત કરવા અમારા દુશ્મનો વિરુદ્ધ યુદ્ધ યથાવત્ રાખવામાં અમે નહીં રોકાઈએ.
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ કહ્યું, “અમે અમારા બંધકોને ગાઝાથી ઘરે લાવીશું, અમારી ઉત્તરની સરહદ પર રહેતા અમારા નાગરિકોને સલામત રીતે તેઓના ઘરે પરત કરવામાં આવશે.” “ઈઝરાયલ અમારા તમામ યુદ્ધ ઉદ્દેશ્યોને હાંસલ કરવા અને આવનારી પેઢીઓ માટે અમારા ક્ષેત્રમાં સુરક્ષા વાસ્તવિકતા બદલવા માટે કટિબદ્ધ છે.”
બેંઝામિન નેતન્યાહૂએ બીજું શું કહ્યું?
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ વધુમાં કહ્યું, ‘હું ઈરાન અને તેના પ્રોક્સીને કહું છું, જે કોઈ ઈઝરાયલના નાગરિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. અમે આતંકવાદીઓ અને તેમને મોકલનારાઓને ખતમ કરવાનું ચાલુ રાખીશું.
ગાઝામાં હુમલા વધુ તીવ્ર બન્યા
બે દિવસ અગાઉ જ હમાસ ચીફ યાહ્યા સિનવારના મોત બાદ ઈઝરાયલી સેનાએ ગાઝામાં હુમલાઓ તેજ કર્યાં છે. ગાઝામાં ઈઝરાયલ દ્વારા કરાયેલા તાજેતરના હુમલામાં ત્રણ બાળકો સહિત 11 લોકોનાં મોત નિપજ્યા હતા. થોડા કલાકો પહેલા જ અન્ય હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા, જ્યારે આ પહેલા 72 લોકોનાં મોત થયા હતા. જેમાં જબલિયામાં 33 લોકોનાં મોત થયા હતા. આમ 24 કલાકમાં 93 લોકોનાં મોત થયા છે.
ગુરુવારે, ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેના લડવૈયાઓએ ગાઝામાં ડઝનબંધ આતંકવાદીઓને મારી નાખ્યા. હવે તે તેના આ અભિયાનને વધુ ઝડપથી આગળ વધારી રહ્યું છે. શુક્રવારે, ઈઝરાયલે ગાઝાના આઠ ઐતિહાસિક શરણાર્થી શિબિરોમાંથી સૌથી મોટા જબાલિયા કેમ્પમાં અનેક ઘરો પર ભીષણ હુમલો કર્યો. ગાઝાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયલી ટેન્કોએ ગોળીબાર કર્યો હતો અને રસ્તાઓ અને મકાનોનો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને તરફથી થયેલા આ હુમલામાં અત્યાર સુધી ઘણી મોત અને નુકસાન થઈ ચુક્યું છે