Heavy Rain in Vadodara: વડોદરા શહેરમાં ગત મહિને વિશ્વામિત્રી નદીના પાણીનું પૂર આવ્યું હતું. જેમાં વડોદરા શહેરની સ્થિતિ ખુબ જ કફોડી બની હતી. અનેક ઘરો અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને ખૂબ જ નુકસાન થયું હતું. તો મોટી સંખ્યામાં વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હવે આજે (29મી સપ્ટેમ્બર) વડોદરામાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. વડોદરા શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. ત્યારે શહેરીજનોને ફરી વિશ્વામિત્રીના પૂરનો ડર સતાવી રહ્યો છે. લોકોએ પોતાની કાર સહિતના વાહનો વરસાદને કારણે શહેરના પુલો પર પાર્ક કરી દીધા છે.
કોટેશ્વર ગામ સંપર્કવિહોણું, કાંસા રેસીડેન્સીના વિસ્તારો ખાલી કરાવાશે
વડોદરાના વડસરથી કોટેશ્વર જતા રસ્તા પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. જ્યારબાદ હવે છેલ્લે છેલ્લે VMC થોડું સક્રિય થયું છે. VMC દ્વારા નદી કાંઠાના વિસ્તારના લોકો, નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટેની અપીલ કરાઈ રહી છે. કોટેશ્વર ગામ અને કાંસા રેસીડેન્સી સહિતના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. તો ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે.
વિશ્વામિત્રીનું જળ સ્તર વધ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવક વધી રહી છે. જેના કારણે વિશ્વામિત્રીનું જળ સ્તર વધીને 20 ફૂટ પર પહોંચ્યું છે, જેની ભયજનક સપાટી 24 ફૂટ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી આજવા સરોવરમાં પણ પાણીની ભારે આવક થઈ રહી છે. કેટલાક વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પાણી ભરાયેલા છે.
ગરબા ગ્રાઉન્ડ થયા પાણી પાણી
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે વડોદરાના ખલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે, કારણ કે અનેક ગરબા ગ્રાઉન્ડ પણ તળાવ બન્યા છે. નવલખી મેદાન, VNF ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થયા છે. ગરબા આયોજકોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. આયોજકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગ્રાઉન્ડ પાણી અને કીચડથી ખદબદી રહ્યું છે.
કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થયા
વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં તો તરાપા પણ ફરતા થઈ ગયા હતા. આજે બપોરના 12:00 વાગ્યા બાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે લોકોમાં ફરી પૂર આવશે તેઓ ભય ફેલાયો હતો. આ વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સતર્ક હોવાનો દાવો કરે છે. પરંતુ ફક્ત 3.5 ઈંચ વરસાદમાં જ વડોદરા પાણી પાણી થઈ ગયું છે. ઉત્તર ઝોનની મહાનગરપાલિકાની કચેરી બહાર પાણી ભરાયા છે. ખુદ પોતાની કચેરીની બહાર પાણી ભરાતુ નથી રોકી શકી કોર્પોરેશન, તો શહેરમાં પાણી ભરાતુ કેવી રીતે રોકી શકશે.
પૂરની સ્થિતિમાંથી VMCએ ના લીધી શિખ
કોર્પોરેશને અગાઉ કરેલા દાવા પોકળ સાબિત થયા છે. પૂર બાદ VMCએ કહ્યું હતું કે, પાણી ના ભરાય તેની તકેદારી રખાશે… તે વાતો ફક્ત વાતો જ રહી. પૂરની કપરી પરિસ્થિતી બાદ પણ VMC સુધર્યું નથી. કાંસોની સફાઈ કરવા અને નદી-તળાવો પાસેના દબાણો દૂર કરવા લોકોની માગ છે.
રજાના દિવસે દુકાનદારો દોડતા થયા
ગત મહિને આવેલા વિશ્વામિત્રીના પૂરના પાણી ઘર અને દુકાનોમાં ઘુસી જતા મોટાપાયે નુકસાન થયું હતું. ત્યારે હવે ફરી પાણી દુકાનો સુધી પહોંચી જતા રજાના દિવસે પણ દુકાનદારો દોડતા થયા હતા. પૂર વખતે દુકાનદારોને વ્યાપક નુકશાન થયું હતો તેવું ફરી ન થાય તે માટે દુકાનદારો પોતાનો માલસામન બચાવવા માટે દુકાનો પર પહોંચ્યા હતા.
સોસાયટી-ઘરોમાં પાણી ભરાવાનું કારણ
કોન્ટ્રાક્ટરો રોડ બનાવે ત્યાંરે જૂનો રોડ ઉખેડતા નથી. હયાત રોડની ઉપર જ નવો રોડ બનાવે છે. રસ્તા પર ડામરના થર પર થર બનાવાતા હોવાથી સોસાયટીઓમાં લોકોના ઘરના ઓટલા અને રોડનું લેવલ સરખુ થઈ ગયું છે. જેના કારણે નજીવા વરસાદમાં પણ ઘરોમાં પાણી ભરાઈ જાય છે. મુખ્ય રોડ પણ આજ રીતે બનાવાતા હોવાથી સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય છે. અને વાહનો અને ઘરવખરીને નુકસાન થાય છે.
સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળ્યા
વડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી 18 ફૂટને પાર પહોંચી છે. બીજી તરફ ગઈ વખત જેવી ભૂલ ન થાય અને લોકોનો રોષનો ભોગ ન બનવું પડે તે માટે સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળી ગયા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે 29મી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: વડોદરામાં CMના આગમન પહેલાં દબાણો હટાવવા પહોંચેલી ટીમને દારૂડિયાએ દોડાવી, ફાંસો ખાવાનો કર્યો પ્રયાસ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો 136 ટકા વરસાદ
રાજ્યમાં આજે (29મી સપ્ટેમ્બર) સુધીમાં સિઝનનો સરેરાશ 136 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 145 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 141 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 132 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 114 ટકા વરસાદ નોંધાયો છે.