– આરોગ્યના દેવ ધન્વંતરીનું ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ સમાન છે
– સોના,ચાંદીના આભૂષણોની ધૂમ ખરીદી સાથે ચોતરફ માંગલિક કાર્યોનો ધમધમાટ જામશે
ભાવનગર : ઉજાશના તહેવાર દિપોત્સવીની પર્વમાળા અંતગર્ત આવતીકાલ તા.૨૯ ઓકટોબરને મંગળવારે ધનતેરસના અનન્ય મહિમાવંતા મહાપર્વે મહાલક્ષ્મી માતાજીની પૂજા સાથે શ્રધ્ધાળુઓ દ્વારા આરોગ્યની સુખાકારી માટે આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન ધન્વંતરીનું પણ વિશેષ ષોડશોપચાર પૂજન અર્ચન કરાશે. મંગળવારે ધનતેરસે વણજોયુ શુભ મુર્હૂત હોય ચોતરફ માંગલિક કાર્યોનો ધમધમાટ જામશે.
આજના પર્વે સોના ચાંદી,વાહન મકાન, પ્લોટના ખરીદ,વેચાણની પ્રક્રિયા વેગવંતી બનશે અને આ સાથે બજારમાં ધનવર્ષા થશે.
રંગોળી અને તોરણના પોંખણા સાથે પ્રકાશના પર્વસમુહ દિપોત્સવીના તહેવારનો સોમવારથી શુભારંભ થયો હતો. જીવનને જયોતિર્મયી કરતા રોશનીના મહાપર્વ અંતગર્ત આવતીકાલ તા.૨૯ ઓકટોબરને મંગળવારે ધનતેરસના મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના મહાપર્વે દેવવૈદ્ય અને હરિ વિષ્ણુના અવતાર ભગવાન ધન્વંતરીનું પ્રાગટય થયુ હતુ. સમુદ્ર મંથન દરમિયાન નિકળેલા ૧૪ રત્નોમાંથી છેલ્લુ રત્ન એટલે આરોગ્યના દેવ ધન્વંતરીનું ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ સમાન છે. તેથી તેઓને પુરાણમાં પણ આરોગ્યના દેવ તરીકે રજુ કરાયા છે. ધનતેરસના મહાપર્વે લક્ષ્મીપ્રાપ્તિનો શ્રેષ્ઠ યોગ હોય ભાવિકો, ગૃહિણીઓ દ્વારા પરિવારજનોની ઉપસ્થિતીમાં સોના, ચાંદી, રોકડ રકમ અથવા શ્રી યંત્રનું પણ પૂજન કરવામાં આવશે. આવતીકાલે ધનતેરસે દુકાનનું ઉદઘાટન, નવપ્રસ્થાન, મકાનનું વાસ્તુ, ખાતમુર્હૂત, સોના, ચાંદી, સ્થાવર જંગમ મિલ્કત, પ્લોટની લે વેચ, લગ્નસરાની ખરીદી, કંકુપગલા અને નવચંડી પાઠ સહિતના માંગલિક કાર્યોનો ધમધમાટ જામશે. આ સાથે દેવવૈદ્ય, લોકવૈદ્ય તેમજ આરોગ્યના અદ્રભુત દર્શનશાસ્ત્રના પ્રવર્તક ધન્વંતરી ભગવાનના પ્રાગટય દિન, ત્રયોદશી જયંતિ મહોત્સવ અંતગર્ત આયુર્વેદાચાર્યો દ્વારા ષોડશોપચાર પૂજન, અર્ચન, અભિષેક, મહાપૂજા,મહાઆરતી તેમજ વિષ્ણુ મહાયજ્ઞા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.