સુરત શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના ભાગલ ચાર રસ્તા નજીક જ આ લૂંટનો બનાવ બન્યો છે. 64 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે અને જેની અંદાજિત કિંમત 6 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંગાળી કારીગર દાગીના લઈને જઈ રહ્યો હતો, તે સમયે 3 વ્યક્તિઓએ કારીગર પાસેથી દાગીના લૂંટી લીધા હતા. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને CCTVના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલમાં લૂંટ થઈ હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદના બોપલમાં જ્વેલર્સમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો. બોપલ વિસ્તારમાંથી એક જવેલર્સની દુકાનમાંથી રૂપિયા 73 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટની ઘટના બાદ આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. લૂંટની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો અને લૂંટારૂઓના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. લૂંટ કરવા લૂંટારૂ હેલ્મેટ પહેરીને આવ્યો હતો. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે.
બંદૂકની અણીએ સોનાના દાગીના લૂંટ્યા
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરુવારે 2 ડિસેમ્બરે ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. આ લૂંટારુઓ હેલ્મેટ પહેરીને તથા મોં પર નકાબ બાંધીને કનકપુરા જ્વેલર્સમાં ઘૂસી ગયા હતા. જ્યાં લૂંટારુઓએ દુકાનમાં હાજર માલિક ભરત લોઢિયા અને મનોજ મકવાણાને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં મૂકેલા તમામ દાગીના માત્ર ચાર જ મિનિટમાં લૂંટીને લઈ ગયા હતા. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવીને દુકાનમાં હાજર લોકોને ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ભાગી રહ્યા છે.