ગુજરાતમાં 1 મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવવાની જાહેરાત થઈ ચૂકી છે, જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ત્યારબાદ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. જોકે ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપ સહિત કોંગ્રેસ પાર્ટી જીતના દાવા કરી રહ્યું છે. જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા સહિત તમામ જિલ્લાઓની 66 જેટલી નગરપાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.
16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે, ત્યારે ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા આજથી જ હાર જીતના દાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી સમગ્ર કાર્યક્રમ અંગે વાત કરીએ તો 21 જાન્યુઆરી 2025થી આદર્શ આચારસંહિતા લાગુ પડી ચૂકી છે. ત્યારબાદ 27 જાન્યુઆરી 2025એ ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. 1 ફેબ્રુઆરી 2025એ ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ છે. 3 ફેબ્રુઆરી 2025એ ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવાર 4 ફેબ્રુઆરી 2025 સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી 2025એ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને 17 ફેબ્રુઆરી 2025એ જરૂર પડે પુનઃ મતદાન કરવામાં આવશે, 18 ફેબ્રુઆરી 2025એ સવારે 9 વાગ્યાથી નિર્ધારીત સ્થળે મત ગણતરીનો કાર્યક્રમ યોજાશે.
કલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ની 1 બેઠક પર ચૂંટણી યોજાશે
ત્યારે આ દરમિયાન રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં 1 નગરપાલિકામાં ખાલી બેઠક પર ચૂંટણી યોજાશે. ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ની 1 બેઠક પર ચૂંટણી યોજાશે. આ સાથે જ રાજ્યની 15 નગરપાલિકાઓની કૂલ 21 બેઠક પર ચૂંટણી યોજાશે. આ સિવાય ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ખાલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. ગાંધીનગરમાં દહેગામ અને માણસા તાલુકા પંચાયતમાં લવાડ અને આમજામાં ચૂંટણી યોજાશે.