ચૂંટાયેલા રાષ્ટ્રપતિ-ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે વિશ્વ વોશિંગ્ટનમાં એકત્ર થયું છે, ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા અંબાણીએ શનિવારે ખાનગી સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન નીતા અંબાણીએ બ્લેક વેલ્વેટ બ્લાઉઝમાં બ્લેક રંગની અને વાયોલેટ બોર્ડર વાળી સાડી પહેરી હતી. ત્યારે આ સાડી કેમ ખાસ હતી તે વિશે વાત કરીએ.
કાંચીપુરમ સિલ્ક સાડી
રિલાયન્સ ફાઉન્ડેશનના એક નિવેદન અનુસાર નીતા અંબાણીએ સ્વદેશ દ્વારા બનાવેલી પરંપરાગત કાંચીપુરમ સિલ્ક સાડી પહેરી હતી. આ સાડી કાંચીપુરમના ભવ્ય મંદિરોના આધ્યાત્મિક અને ઐતિહાસિક સારથી પ્રેરિત હતી. 100થી વધારે પરંપરાગત મૂલ્યો કે જે કાંચીપુરમના મંદિરોની આદ્યાત્મિક અને ઐતિહાસિકતા દર્શાવે છે તેનું વ્યાપક સંશોધન સાથે સાડી ડિઝાઇન કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે 18મી સદીના પરંપરાગત ભારતીય જ્વેલરી પહેરી હતી. રિલાયન્સ ફાઇન્ડેશનના મતે તેમણે ભારતના આત્માને વૈશ્વિક સ્ટેજ પર પહોંચાડ્યો.
સાડીમાં દર્શાવાયા આ પરંપરાગત મૂલ્યો
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માસ્ટર કારીગર બી. કૃષ્ણમૂર્તિ દ્વારા વણાયેલી આ કસ્ટમ-મેઇડ સાડીમાં ઇરુથલાઈપક્ષી (ભગવાન વિષ્ણુનું પ્રતીક બે માથાવાળું ગરુડ), મયિલ (અમરત્વ અને દિવ્યતાનું પ્રતિનિધિત્વ કરતું), અને પૌરાણિક સોરગવાસલ પ્રાણીઓના રસ્તાઓ (ભારતની સમૃદ્ધ લોકવાયકાના આકર્ષણને મૂર્તિમંત બનાવતી) જેવા જટિલ અને કાળજીપૂર્વક પસંદ કરાયેલા મોટિફ્સ છે.
સાડીમાં કન્ટેપરરી ટચ પણ જોવા મળ્યો છે. સાડીને મનીષ મલ્હોત્રાના મખમલ બ્લાઉઝ સાથે પહેરવામાં આવી હતી. બિલ્ટ-અપ નેકલાઇન અને સ્લીવ પર જટિલ મોતીકામ કરવામાં આવ્યુ હતું.
કેવી પહેરી હતી જ્વેલરી ?
આ માસ્ટરપીસ સાથે હેરીટેજ જ્વેલરી પહેરીને લુક કમ્પ્લિટ કર્યો હતો. દક્ષિણ ભારતમાં બનાવેલુ 200 વર્ષ જૂનું દુર્લભ ભારતીય પેન્ડન્ટ હતું. જેનો આકાર પોપટ જેવો હતો. તે હીરા, માણેક અને મોતીથી જડિત હતો. આ સોનામાં જડિત આ કુંદન સેટમાં લાલ અને લીલા રંગના માણેક જોવા મળ્યા છે. આમ નીતા અંબાણીએ યુનિક જ્વેલરી અને સાડી પહેરીને ભારતીય પરંપરાઓની શાશ્વત સુંદરતા દર્શાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ હેન્ડમેડ સાડી પહેરીને આપણા કારીગરોનું સન્માન અને તેમની અજોડ કારીગરી પર વૈશ્વિક સ્તરે પ્રકાશ પાડે છે.
મુકેશ અંબાણીએ અભિનંદન પાઠવ્યા
RIL એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અંબાણી અને ટ્રમ્પનો ફોટો શેર કર્યો છે. કંપનીએ પોસ્ટ કર્યું, કે નીતા અને મુકેશ અંબાણીએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા વોશિંગ્ટનમાં એક ખાનગી સ્વાગત સમારંભમાં અભિનંદન પાઠવ્યા. ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાની સહિયારી આશા સાથે, તેમણે તેમના નેતૃત્વના પરિવર્તનશીલ કાર્યકાળની શુભેચ્છા પાઠવી જે બંને દેશો અને વિશ્વ માટે અભૂતપૂર્વ પ્રગતિ અને સહયોગનો માર્ગ મોકળો કરશે.