સુપ્રીમ કોર્ટે મંગળવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સ્થાને ચૂંટણીઓમાં બેલેટ પેપરના ઉપયોગ કરવાની દાદ માગતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે કહ્યું હતું કે જ્યારે તમે ચૂંટણી જીતો છો ત્યારે EVM સાથે ચેડાં નથી થયેલા હોતા અને જ્યારે તમે ચૂંટણી હારી જાવ છો ત્યારે EVM સાથે ચેડાં થઈ જાય છે.
અરજદાર કેએ પૉલે જણાવ્યું હતું કે લોકશાહીની રક્ષા માટે ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ ફરીવાર શરૂ કરવામાં આવે તે જરૂરી છે અને EVM સાથે ચેડાં થવાની આશંકા રહેલી છે. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે આંધ્રના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો છે કે EVM સાથે ચેડાં કરવામાં આવી શકે છે. અરજદારે સાથે જ એલન મસ્કના આ દાવાનો પણ હવાલો આપ્યો હતો કે EVM હેક કરી શકાય છે. જોકે, તેના જવાબમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે જ્યારે ચંદ્રાબાબુ નાયડુ અથવા રેડ્ડી ચૂંટણીમાં હારી જાય છે ત્યારે તેઓ કહે છે કે EVM સાથે ચેડાં કરવામાં આવે છે. અને જ્યારે તેમની જીત થાય છે ત્યારે તેઓ કંઈ કહેતા નથી. અમે તેને કઈ રીતે જોઈએ? અમે આ અરજીને ફગાવીએ છીએ. જસ્ટિસ નાથે જણાવ્યું હતું કે આ તે જગ્યા નથી જ્યાં તમે આ મુદ્દે દલીલો કરી શકો છો. અરજદારે કહ્યું હતું કે બધા જાણે છે કે ચૂંટણીઓમાં પૈસા વહેંચાય છે, ત્યારે બેન્ચે કહ્યું હતું કે અમને તો કોઈપણ ચૂંટણીમાં કોઈ પૈસા નથી મળ્યા. અરજદારે વધુમાં કહ્યું હતું કે મારી અરજીમાં એક અન્ય વિનંતી ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા અને દારૂના ઉપયોગને નિયંત્રિત કરવા માટે વ્યાપક રૂપરેખા તૈયાર કરવામાં આવે.
અરજીમાં અન્ય માગ પણ કરાઈ હતી
ચૂંટણીઓમાં EVM સ્થાને બેલેટ પેપરના ઉપયોગ ઉપરાંત અરજીમાં અન્ય ઘણા દિશા-નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી. અરજદારે આ માગ કરી હતી કે ચૂંટણી પંચને આ નિર્દેશ આપવામાં આવે કે જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ અથવા અન્ય ભૌતિક લાલચ વહેંચવાનો દોષિત સાબિત થાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે.
કોર્ટમાં અરજદારે શું કહ્યું હતું
જ્યારે અરજદાર પૉલે કહ્યું હતું કે તેમણે જાહેર હિતની અરજી દાખલ કરી છે ત્યારે બેન્ચે કહ્યું હતું કે તમારી પાસે રસપ્રદ જાહેર હિતની અરજીઓ છે. તમને આ શાનદાર વિચારો ક્યાંથી મળ્યા છે? અરજદારે કહ્યું હતું કે તેઓ એક એવા સંગઠનના અધ્યક્ષ છે જેણે ત્રણ લાખ કરતા વધારે અનાથ અને 40 લાખ વિધવાઓને બચાવી છે. બેન્ચે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે તમે આ રાજકીય ક્ષેત્રમાં શા માટે ઉતરી રહ્યા છો? તમારું કાર્ય ક્ષેત્ર તો બિલકુલ અલગ છે. અરજદારે વધુમાં કહ્યું હતું કે તેઓ 150 કરતા વધારે દેશની યાત્રા કરી ચૂક્યા છે. ત્યારે બેન્ચે સવાલ કર્યો હતો કે શું દરેક દેશમાં બેલેટ પેપરથી મતદાન થાય છે કે પછી ઇલેક્ટોનિક વોટિંગનો ઉપયોગ થાય છે. અરજદારે કહ્યું હતું કે વિદેશોએ બેલેટ પેપરથી વોટિંગને અપનાવી લીધું છે અને ભારતમાં પણ તેનું અનુસરણ થવું જોઇએ. ત્યારે બેન્ચે કહ્યું હતું કે તમે બાકી દુનિયાથી અલગ કેમ થવા માગો છો?
કોર્ટમાં એલન મસ્કનો ઉલ્લેખ
પૉલે દાવો કર્યો હતો કે ટેસ્લાના સીઇઓ અને સહ-સંસ્થાપક એલન મસ્કે પણ કહ્યું છે કે EVM સાથે ચેડાં કરી શકાય છે અને ચંદ્રાબાબુ નાયડુ અને જગન મોહન રેડ્ડી પણ આવી જ વાત કરી ચૂક્યા છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જ્યારે ચંદ્રાબાબુ નાયડુ હારી ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે EVM સાથે ચેડાં કરી શકાય છે. અને આ વખતે જગન મોહન રેડ્ડી હારી ગયા તો તેમણે કહ્યુ કે EVM સાથે ચેડાં કરી શકાય છે.