એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલે બિનજરૂરી સારવાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પીએમ-જેએવાયમાંથી નાણાં કમાવવાની લાલચમાં દર્દીઓ પર ચીરફાડ કરાઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી)એ ત્રીજી નોટિસ પણ હોસ્પિટલના તબીબો, સીઈઓ વગેરેને આપી હતી, જોકે આરોપીઓએ જીએમસીની નોટિસની ઐસીતૈસી કરી હજુ સુધી જવાબ સુદ્ધાં રજૂ કર્યો ન હોવાની બાબત સામે આવી છે.
જીએમસી પણ જાણે પોતાના ખિસ્સાંમાં હોય તેવું હોસ્પિટલનું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.સૂત્રો કહે છે કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલની વારંવારની નોટિસ પછી પણ હોસ્પિટલ કે ડોક્ટરો તરફથી જવાબ રજૂ કરાયો નથી. હવે આગામી સપ્તાહમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલની બેઠક મળવાની છે, જેમાં હવે પછી શું પગલાં ભરવા તે અંગે વિચાર વિમર્શ કરાશે. જીએમસીએ ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતને નોટિસ ફટકારી હતી. જેમાં સારવારના કાગળો, દસ્તાવેજો, રિપોર્ટસ સહિત અન્ય પુરાવા રજૂ કરવા માટે કહેવાયું હતું. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાંથી સારવાર લેનારા દર્દીઓ અત્યારે ટેન્શનમાં છે, સંખ્યાબંધ દર્દીઓ પોતાને ખોટી સારવાર તો નથી મળીને તેને લઈ અન્ય હોસ્પિટલોમાં તબીબી સલાહ લેતાં થયા છે.