ઠંડા વાતાવરણમાં પગની પાની ફાટવી, ચીરા પડવા એ સામાન્ય બાબત છે, પરંતુ તેનાથી થતી સમસ્યાઓ સામાન્ય નથી. જ્યારે પગની એડી ફાટી જાય છે, ત્યારે દુખાવો, બળતરા અને ચેપનું જોખમ વધી જાય છે, લોહી નીકળે છે અને ચાલવું મુશ્કેલ બને છે. ફાટેલી એડીને કારણે કેટલાકને શરમ પણ લાગે છે. જો તમે પણ શિયાળામાં આ સમસ્યાથી પરેશાન છો, તો તમે કુદરતી રીતે ઘરે જ ક્રીમ તૈયાર કરી શકો છો. આ ક્રીમ તમારી હીલ્સને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે અને ફાટેલી એડીને મટાડી શકે છે. ચાલો જાણીએ કે તેને ઘરે કેવી રીતે બનાવવું અને તેને તમારી હીલ્સ પર કેવી રીતે લગાવવું?
પગમાં કેમ પડે ચીરા?
શિયાળામાં આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે, જેના કારણે પગમાં તિરાડ સામાન્ય છે. પરંતુ કેટલીકવાર શરીરમાં વિટામિન્સની ઉણપને કારણે હીલ્સ ફાટવા લાગે છે, જેમાં વિટામિન B-3, વિટામિન E અને વિટામિન Cની ઉણપનો સમાવેશ થાય છે. ક્યારેક તજા ગરમીને કારણે પણ શરીરમાં આ રીતે પગની એડી ફાટી જાય છે અને તે ખુબજ તકલીફ આપે છે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. માર્કેટમાં ફાટેલી એડી માટે અનેક ક્રીમ મળે છે પણ તમે ઘરે બનાવેલ ક્રીમ લગાવી શકો છો. આનાથી તરત જ રાહત થાય છે.
ક્રીમ બનાવવાની રીત
ક્રીમ બનાવવા માટે બે ચમચી નારિયેળ તેલ લો. આ પછી તેમાં એક ચમચી ગ્લિસરીન ઉમેરો. હવે એક વિટામીન-ઇ કેપ્સ્યુલ તોડીને તેનું પ્રવાહી ઉમેરો. આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને હવે તમારી ક્રીમ તૈયાર છે.
કેવી રીતે ઉપયોગ કરવો
રાત્રે સૂતા પહેલા તમારી હીલ્સને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો. સ્વચ્છ ટુવાલ વડે પગ સાફ કરો. આ પછી, આ ક્રીમ તિરાડવાળી એડી પર લગાવો. હવે સુતરાઉ મોજા પહેરો અને સૂઈ જાઓ. આને 3 થી 4 દિવસ સુધી સતત લગાવો. તેનાથી તમારી હીલ્સ હંમેશ માટે સ્મૂધ અને હેલ્ધી રહેશે.
આ ક્રીમના ફાયદા
નારિયેળનું તેલ – તે તમારી ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે અને તમારી તિરાડવાળીની હીલ્સને ઠીક કરવામાં મદદ કરે છે.
ગ્લિસરીન- ગ્લિસરીન ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને ત્વચાને નરમ બનાવે છે.
વિટામીન-ઇ કેપ્સ્યુલ- વિટામીન-ઇ કેપ્સ્યુલ ત્વચાની મરામત કરે છે અને હીલ્સની તિરાડોને મટાડવામાં મદદ કરે છે.