અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટનું જોખમ રોકવા માટે એરગન, ફટાકડા ફોડવાની સાથે સાથે હવે અત્યાધુનિક ટેકનોલોજીવાળા સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરાશે કે જે સાંભળીને પક્ષીઓનું ઝુંડ ભાગી જશે. રન વે પરના થાંભલાઓમાં આ સાઉન્ડવાળી સિસ્ટમ લગાવાઇ છે ઉપરાંત રનવે પર ફરતા વાહનોમાં આ સાઉન્ડ સિસ્ટમ લગાવાઇ છે. કે જેના થકી હવે પક્ષીઓને રનવે સુધી આવતા રોકી શકાશે.
અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટના બનાવો રોકવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાધુનિક સાધનો વસાવવા સહિત પક્ષીઓ, જીવજંતુઓ અને વન્યજીવોને એરપોર્ટના રનવેથી દૂર રાખવા માટેના અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશમાં આ પ્રકારના સાધનો લગાવવાનો આ પ્રથમ પ્રયાસ છે. જેના થકી 95 ટકા સુધીનું બર્ડ હિટનું જોખમ ઘટાડી શકાશે તેવો દાવો હાલ કરાઇ રહ્યો છે.
ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન હેઠળ રનવે પરના ઘાસમાં પક્ષીઓ, પશુઓ વસવાટ ન કરી શકે તે માટે વધુ ઉંચા ઘાસ ન થાય તે માટે સાઇલ ટ્રીટમેન્ટનો ઉપયોગ હાથ ધરાયો છે. એરપોર્ટ પર પક્ષીઓના ખોરાકનો સ્ત્રોત ઘટાડવા ફેરોસ લાઇટ ટ્રેપ અને બ્લોક લાઇટ ટ્રેપનો ઉપયોગ ચાલુ કરાયો છે. આ સિસ્ટમથી ઉડતા કિડાઓ-ફુદાઓ તેની તરફ આકર્ષાય છે અને તે નજીક આવતાની સાથે નીચે રાખેલા પાણીમાં પડી જાય છે. જેના થકી સમડીને આકર્ષતી પાંખવાળી ઉધઇને દુર કરાઇ રહી છે. જમીનની અંદર પણ કીડાઓ ન થાય તે માટે દવાનો છંટકાવ કરાઇ રહ્યો છે. પક્ષીઓને એરપોર્ટ સ્ટ્રક્ચર પર બેસતા અટકાવવા માટે હાયપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેકનોલોજીને અનુરૂપ કસ્ટમાઇઝડ એન્ટી પંચિંગ ડિવાઈસ ઇન્સ્ટોલ કરાયા છે. કાટાવાળા અને એકદમ પાતરી તારની પટ્ટી લગાવવામાં આવી છે. જેના થકી 95 ટકા પક્ષીઓનો ઉપદ્રવ અટક્યો હોવાનું એરપોર્ટના અધિકારીઓ જણાવી રહ્યા છે. પક્ષીઓની પાંચ પ્રજાતિઓ , વાંદરા, કૂતરા સહિતના વન્યજીવોને અન્યત્ર સ્થળાંતરિત કરવાનો દેશમાં પ્રથમ પ્રયાસ હાથ ધરાયો છે. એરપોર્ટની આસપાસના વિસ્તારમાં પક્ષીઓના ખોરાક અને કચરાને દૂર કરવા અભિયાન હાથ ધરાયું છે.