શહેર ટ્રાફિક પોલીસે ટાર્ગેટ પૂરા કરવાના ચક્કરમાં આડેધડ વાહનમાલિકોને મેમો ફટકારી વાહનો જમા કરી દીધા. જેમાંથી 85 વાહનચાલકો પોતાના કામધંધા છોડી RTOમાં લાંબી લાઇનમાં ઊભા રહ્યા. નંબર ન આવ્યો તો બીજા દિવસે લાઇનમાં ઊભા રહ્યા અને દંડ ભરવા ગયા તો RTOમાંથી દંડની રકમ શૂન્ય હોવાની પહોંચ મળતા કોથળામાંથી બિલાડું નીકળ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. બીજી તરફ શુક્રવારે સુભાષબ્રિજ આરટીઓમાં 350 મેમોની 8 લાખ, વસ્ત્રાલમાં 244 મેમોની 11.50 લાખ અને બાળળા RTOમાં 36 મેમોની 1.50 લાખથી વધુ વસુલાત કરાઇ હતી. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં 3230 મેમોની એક કરોડથી વધુ વસુલાત, મોટાભાગના ટુવ્હીલર ચાલકો દંડાયા છે. લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે, ટ્રાફિક પોલીસ નિયમનો જાણતી હોત તો આવી રીતે મેમો ન ફટકારતી, ખરેખર તેમને નિયમનો જાણવા ટ્રેનિંગની તાતી જરૂર છે.
સુભાષબ્રિજ RTO સામે ડિમોલેશન કરનાર AMCના વાહનોમાં ફિટનેસ, ટેકસ, PUC બાકી છતાં અનદેખી
સુભાષબ્રિજ RTO સામે રોડ પહોળો કરવા મ્યુનિ. દ્વારા ડિમોલિશનની કામગિરિ ચાલે છે. આ કામગિરિમાં સામે કોર્પોરેશનના ભારે વાહનોમાં ફિટનેશ, ટેકસ, PUC સહિતના પુરાવા બાકી હોવા છતાં અનદેખી કરાઇ રહી છે. સામાન્ય પ્રજાને દંડનાર પોલીસને ગોઠવાયેલી સિસ્ટમના કારણે આવા વાહનો દેખાતા નથી. અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠના કારણે ડિમોલિશનનો વરઘોડો લઇને નીકળી જાય છે. આકાઓના આશીર્વાદના વાહનોના ફોટા પડતા હોવા છતાં કોન્ટ્રાક્ટરોમાં કોઇ ડર જ ન હતો. તમામ વાહનોની તપાસ થાય તો સરકારને લાખોની આવક થઇ શકે છે.
ડ્રાઇવમાં 22 હજારમાંથી 500 કારની બ્લેક ફિલ્મ કઢાવાઈ, વ્હાઇટ લાઇટના ગુનામાં 150 લોકો દંડાયા
પોલીસ ડ્રાઇવમાં 22 હજારમાંથી કારના 500 બ્લેક ફિલ્મ, 900 પીધેલા, 150 માલિકો વ્હાઇટલાઇટના ગુનામાં દંડાયા છે. 500 કારમાંથી 50 લક્ઝુરિયર્સ કારોને મેમો ફટકાર્યો છે. જ્યારે ચાર કરોડની લેમ્બોર્ગિની કારને ડિટેઇન કરાઇ હતી. આ ઉપરાંત 900 પીધેલા પકડાયા છે. કારમાં નિયમ વિરુદ્ધ આંખો આંજી દેતી વ્હાઇટ લાઇટ લગાવી ફરતા કાર માલિકોને મેમો ફટકાર્યો હતો.