વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઓડિશાના ભુવનેશ્વરમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આંદોલનો હંમેશાથી થતા રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમે બધાએ એક મોટું પરિવર્તન જોયું હશે. બંધારણની ભાવનાને કચડવામાં આવી રહી છે. લોકશાહીના ગૌરવને નકારાઈ રહ્યું છે.
સત્તાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનનારા લોકો છેલ્લા એક દાયકાથી કેન્દ્રની સત્તા ગુમાવી ચૂક્યા છે. તે લોકો આ વાતે પણ નારાજ છે કે તેમના સિવાય કોઈ અન્યને આશીર્વાદ અપાઈ રહ્યો છે. તેઓ એટલા ગુસ્સામાં છે કે તેઓ દેશની વિરુદ્ધ જ કાવતરું ઘડી રહ્યા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે દેશને ખોટી દિશામાં લઈ જવા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરી દેવાયું છે. જુઠ્ઠાણા અને અફવાઓની દુકાન છેલ્લા 75 વર્ષથી ચાલી રહી છે. તેમણે હવે પોતાના મિશનને વધુ તેજ કરી દીધું છે. તેમની ગતિવિધિઓ પોતાના દેશથી પ્રેમ કરનારા લોકો માટે મોટો પડકાર બની રહી રહી છે.
જનતા ભાજપને આશીર્વાદ આપે છે
વડાપ્રધાને કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ દિવસ-રાત ભાજપ વિશે ખોટી સૂચનાઓ ફેલાવે છે પરંતુ જનતા સ્વયં ભાજપને આશીર્વાદ આપવા માટે મેદાનમાં આવે છે. ચૂંટણીના થોડા મહિના પહેલાં મોટા-મોટા રાજકીય નિષ્ણાતો ઓડિશામાં ભાજપને સંપૂર્ણપણે ફગાવી રહ્યા હતા પરંતુ હવે પરિણામ આવ્યા તો બધા ચકિત રહી ગયા હતા. કારણ કે ઓડિશાના લોકો માટે ભાજપની કેન્દ્ર સરકારના કાર્ય અને દિલ્હીમાં બેઠા હોવા છતાં પણ ઓડિશાના લોકો સાથે પોતિકાપણાનો જે સંબંધ રહ્યો છે, તે ઓડિશાના ઘર-ઘર સુધી પહોંચી ગયો હતો.