શહેરીજનોની સુખાકારી અને સુવિધા માટે AMC સત્તાધીશો દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં શહેરના વિકાસ અને મહત્વના પ્રોજેક્ટ સમાવેશ કરવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.
આગામી વર્ષ માટે ‘જનભાગીદારીવાળું બજેટ’ બનાવી શકાય તે માટે નાગરિકોએ તા. 29 નવેમ્બર સુધીમાં પોતાના વિસ્તારોમાં રોડ, બ્રિજ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ગાર્ડન, વગેરે સહિતના કયા કામો કરવા જોઈએ તે અંગે પોતાના સૂચનો અને અભિપ્રાયો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbud-get202526@gmail.comપર મોકલવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, AMC બે વર્ષ પહેલાં વાર્ષિક બજેટ રજૂ કરતાં પહેલાં નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં નાગરિકોએ પોતાના સૂચન આપ્યા હતા અને તેમાંથી 10 ટકા જેટલા સૂચનોને માન્ય રાખીને બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારનું બજેટ તૈયાર કરતા પહેલાં વ્યાપાર- ઉદ્યોગ મંડળો અને સંસ્થાઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવે છે. AMC દ્વારા છેલ્લાં બે- ત્રણ વર્ષથી નાગરિકો પાસેથી વિકાસ કાર્યો સંબંધિત સૂચનો મંગાવીને આગામી વર્ષના બજેટમાં તેનો સમાવેશ કરવાની પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે.