અમદાવાદ એરપોર્ટ પર રવિવારે 35 થી વધુ ફ્લાઇટો અડધો કલાકથી લઇને બે કલાક સુધી મોડી પડી હતી. જેમાં સૌથી વધુ દિલ્હીની 9 ફ્લાઇટો હતી. 6 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોનો પણ મોડી રહી હતી. વિયેત જેટની અમદાવાદ- હો ચી મિન્હ સિટીની રવિવારની રાતની 11:50ની ફ્લાઇટ બે કલાક મોડી હોવાની અમદાવાદ એરપોર્ટ પર જાહેરાત કરાતા તેના મુસાફરો અડધી રાતે ઠંડીમાં ઠુંઠવાયા હતા.
આ ઉપરાંત અમદાવાદ- હનોઇ, અમદાવાદ-દાનંગની ફ્લાઇટ એક કલાક મોડી ટેકઓફ થઇ હતી. મલેશિયા એરની અમદાવાદ-કુઆલમ્પુરની ફ્લાઇટ અડધો કલાક અને કુવૈત એરવેઝની અમદાવાદ-કુવૈતસિટીની ફ્લાઇટ અડધો કલાક મોડી ઉપડી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં અમદાવાદ આવતી જતી 300 જેટલી ફ્લાઇટોના શિડયુઅલ ખોરવાતા હજારો મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો.
આકાશા એરની જેદાહ-અમદાવાદની ફ્લાઇટ અડધો કલાક મોડી આવી હતી. બેંગ્લુરુની ફ્લાઇટ અઢી કલાક, કોલકાતાની દોઢ કલાક, બાગદોગરાની ફ્લાઇટ એક કલાક મોડી આવી હતી. ઇન્ડિગોની મુંબઇ અને દિલ્હીથી આવતી ફ્લાઇટો પોણો કલાક, ગોવા, કોચી અને બેંગ્લુરૂની અડધો કલાક અને ઇન્દોરથી આવતી ફ્લાઇટ દોઢ કલાક મોડી આવી હતી. એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ પોણો કલાક, લખનઉંની ફ્લાઇટ સવા કલાક મોડી આવી હતી.અમદાવાદથી ઉપડતી હોય તેવી ફ્લાઇટોમાં આકાશાની અમદાવાદ-કોલકાતા પોણા બે કલાક મોડી ઉપડી હતી. પુનેની પોણા કલાક, બેંગ્લુરુની એક કલાક, ગોવાની અડધો કલાક, બગદોગરાની પોણા બે કલાક, બેંગ્લુરૂની ફ્લાઇટ અમદાવાદથી એક કલાક મોડી ઉપડી હતી. ઇન્ડિગોની જયપુરની ફ્લાઇટ સવા કલાક, દિલ્હી, ગોવાની અડધો કલાક મોડી ઉપડી હતી. એર ઇન્ડિયાની દિલ્હીની બે ફ્લાઇટો પણ દોઢ કલાક સુધી મોડી ઉપડી હતી. ધુમ્મસ સહિતની કારણોસર ફ્લાઇટો લેટ પડવાનો સિલસિલો છેલ્લા પંદરેક દિવસથી યથાવત્ છે. જેના કારણે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.