એક તરફ રાજ્ય સરકારે શાળાઓને સ્વેટરને લઈને કડક નિર્દેશ આપ્યા છે. તેમ છતાં ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શાળામાંથી સ્વેટરનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી છે. જેના સાથે જ વાલીઓ પાસે સ્પોર્ટ્સ સંકુલના નામે રૂ.6,800 માંગવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.
જેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જે પછી શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના વાલીઓનો આક્ષેપ છે કે, શાળાની ફી 80 હજાર જેટલી છે ત્યારે બીજું સત્ર શરૂ થયા બાદ એકાએક ફીના હપ્તામાં સ્પોર્ટસ એક્ટિવિટીના નામે રૂ.6,800 ભરવાનો આદેશ આપ્યો હતો. જેની સામે વાલીઓએ શાળાના સંચાલકો પાસે જવાબ માંગ્યો પરંતુ શાળાન પ્રિન્સિપલ કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહ્યું ન હતું. આ પછી તેની ફરિયાદ શિક્ષણ અધિકારીને કરવામાં આવતા સંચાલકોને નોટિસ ફટકારી છે. તેમજ શાળાના સંચાલકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. તેમજ શાળાની ભૂલ હશે તો સ્વેટર અને ફી બાબતે RTE નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.