દેશના સૌથી મોટા સંગીત ઉત્સવમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025નું આયોજન થવા જઇ રહ્યું છે. જે 1 થી 13 જાન્યુઆરી દરમિયાન એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં કરવામાં આવશે. આ સંગીત સમારોહમાં 150 થી વધુ સંગીત માર્તંડ અને યુવા સંગીતકારો એક મંચ પર 13 દિવસ સુધી સંગીત સાધના કરશે.
13 દિવસ સુધી સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ યોજાશે
45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવની જાહેરાત કરતા સપ્તકના ટ્રસ્ટી હેતલ મહેતા જોષીએ જણાવ્યું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમ્યાન સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ થવા જઈ રહ્યો છે. નંદન મહેતા અને મંજુ મહેતાના પગલે ચાલતા સપ્તક આ વખતે 45મો વાર્ષિક સંગીત ઉત્સવ ઉજવવા જઈ રહ્યું છે.
ઉત્તર અને દક્ષિણ સંગીતની જુગલબંધી આકર્ષણ બનશે
વધુમાં સપ્તકના હેતલબેનએ જણાવ્યું કે, આ વખતે સપ્તકમાં ખાસ વાત એ છે કે, 43થી વધુ સેશન્સમાં 150થી વધુ શાસ્ત્રીય સંગીતના માર્તંડ અને યુવા સંગીત કલાકારો સંગીત સાધના કરશે, મહત્વની વાત એ છે કે, આ વખતે ખાસ ઉત્તર અને દક્ષિણની જુગલબંધી સપ્તકમાં જોવા મળશે.
વિદુષી મંજુ નંદન મહેતાની સ્મૃતિને સમર્પિત
હેતલબેને વધુમાં જણાવ્યું હતું કે આ 13 દિવસ ચાલતા સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવમાં રોજ અંદાજિત 2 હજારથી વધુ લોકો સંગીત સાધના માટે જોડાશે તેવું અનુમાન છે. આ વર્ષનો વાર્ષિક સંગીત ઉત્સવ સપ્તકના સહ-સ્થાપક અને જાણીતા સિતારવાદક – વિદુષી મંજુ નંદન મહેતાની સ્મૃતિને સમર્પિત રહેશે.
ક્યાં યોજાશે કાર્યક્રમ?
અમદાવાદ એલ.ડી. આર્ટસ કોલેજ કેમ્પસમાં, તા. 1 થી 13 જાન્યુઆરી દરમ્યાન સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ યોજાશે. 13 દિવસ દરમ્યાન દિવસના 3 સેશન્સ એમ કુલ 43 સેશન્સ યોજાશે.