ગાંધીનગર નજીક પેથાપુર પંથકના ગામની ઘટના
લગ્નનું વચન આપી પ્રેમીએ હવસનો શિકાર બનાવી પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામમાં રહેતી
યુવતીને પરિણીત પ્રેમીએ પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને કુંવારી માતા બનાવી
તરછોડી દેતા આખરે યુવાન સામે બળાત્કારનો ગુનો પેથાપુર પોલીસ મથકમાં દાખલ થવા
પામ્યો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી સમાજમાં પરિણીત યુવાનો દ્વારા યુવતીઓને
પ્રેમ જાળમાં ફસાવીને તેમને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવતો હોય છે ત્યારે આ જ
પ્રકારની એક ઘટના ગાંધીનગર નજીક આવેલા પેથાપુર પંથકના ગામમાં બનવા પામી છે. જે
ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે પરણિત યુવાન અને યુવતી એક જ ગામમાં રહેતા હોવાથી અઢી
એક વર્ષ અગાઉ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીમે ધીમે બંને વચ્ચે મુલાકાતનો દોર
શરૃ થતાં બંને ગાઢ પ્રેમમાં પડયા હતા.આ દરમ્યાન પરણિત યુવાન પ્રેમિકાને લગ્ન
કરવાના વાયદાઓ કરી શારીરિક શોષણ કરતો હતો. યુવતી લગ્નની વાત કરે તો યુવક કોઈને કોઈ
બહાનું બતાવી ને વાત ટાળી દેતો હતો. સમય જતાં યુવતી ગર્ભવતી થઈ હતી. એ વખતે પણ
પ્રેમીએ લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.આમને આમ નવ મહિને યુવતીએ બાળકને જન્મ આપ્યો
હતો.
આ સ્થિતિને કારણે યુવતીના પરિવારજનોના માથે આભ ફાટયા જેવી
સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે પરિવારજનોએ પણ યુવાનને સમજાવ્યો હતો પરંતુ તેણે
પ્રેમિકાને સ્વીકારવાની ઘસીને ના પાડી દઈ તરછોડી દેવામાં આવી હતી. પોતે પ્રેમીનાં
વિશ્વાસે કુંવારી માતા બની ચૂકી હોવા છતાં પ્રેમીએ હાથ અધ્ધર કરી લીધા હતા. આખરે
કુંવારી માતાએ પરણિત પ્રેમી વિરુદ્ધ ફરીયાદ આપતા પેથાપુર પોલીસે બળાત્કારનો ગુનો
દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.