રાજ્યમાં વધુ એક વખત SGSTના દરોડા પડ્યા છે. મહેસાણા, પાલનપુર અને અમદાવાદના રેડીમેડ ગારમેન્ટનું વેચાણ કરતા 15 ડીલરો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ વેપારીઓને ત્યાં SGSTની ટીમે દરોડા પાડ્યા છે. SGSTની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન 1.48 કરોડ રૂપિયાની કરચોરી સામે આવી છે. વેપારીઓ મોટાપ્રમાણમાં રોકડના વ્યવહારો કરતા હતા અને ઓછું ટર્નઓવર દર્શાવતા હતા. વેપારીઓ બિન-હિસાબી વેચાણ કરતા અને ઓછું ટર્નઓવર દર્શાવીને કમ્પોઝીશન સ્કીમ હેઠળની મર્યાદાનો લાભ મેળવીને ગેરરીતિ આચરતા હતા.
1 અઠવાડિયા પહેલા જ 84 સ્થળોએ SGST વિભાગે દરોડા પાડ્યા હતા
તમને જણાવી દઈએ કે આ પહેલા 18મેના રાજો પણ અમદાવાદમાં SGST વિભાગે દરોડા પડ્યા હતા. શહેરમાં તમાકુ અને વાસણોના વેપારીઓને ત્યાં SGST વિભાગે દરોડા પાડ્યા હતા. SGST વિભાગના દરોડામાં વેપારીઓને ત્યાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાઈ હતી. SGSTની તપાસમાં રૂપિયા 9.28 કરોડની કરચોરી ઝડપાઈ હતી. SGST વિભાગે તમાકુ તથા વાસણોના 67 વેપારીઓના 84 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તમામ વેપારીઓ બિલ વગર માલની ખરીદી કરીને વેચાણ કરતા હતા અને કરોડો રૂપિયાની કરચોરી કરતા હતા. તમને જણાવી દઈએ કે SGST વિભાગે અમદાવાદમાં વાસણોના 12 વેપારીઓના 13 ધંધાના સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સિવાય વિજાપુર, ઉંઝા તથા ઉનાવામાં તમાકુના 55 વેપારીઓના 71 ધંધાના સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ SGST વિભાગે રાજ્યભરમાં અનેક વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડી હતી.
29 માર્ચે અમદાવાદમાં SGST વિભાગે 22 સ્થળ પર કરી હતી તપાસ
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં પણ અમદાવાદમાં SGST વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. પાન-મસાલા અને તમાકુના ડીલર્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. SGST વિભાગે મણિનગર, કુબેરનગર અને ચાંગોદરમાં 22 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. SGST વિભાગની તપાસમાં રૂપિયા 5.68 કરોડની કરચોરી સામે આવી હતી. બિન હિસાબી વ્યવહારોની ગેરરીતિઓ સામે આવી હતી. બિન હિસાબી વેચાણ અને સ્ટોક સહિતની ગેરરીતિઓ તપાસમાં સામે આવી હતી.