મહેસાણા મનપા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં સવારના સમયે કચરો કલેક્ટ કરવા વાહનો આવતા હોય છે.જોકે આ વાહનોમાં કચરો કલેક્ટ કરતા કર્મચારીઓ કોઈ પણ પ્રકારના સેફટી સાધનો વિના કચરો કલેક્ટ કરતા હોય છે.ત્યારે આ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.
ત્યારે મનપા કમિશ્નર દ્વારા આ કર્મચારીઓને સેફટી સાધનો ફાળવવામાં આવે તેવી લોકોમાં માંગ ઊભી થઈ રહી છે. મહેસાણા નગરને કચરા અને ધૂળ મુક્ત બનાવવા માટે મનપા દ્વારા સવારથી મોડી સાંજ સુધી સોસાયટી વિસ્તાર તથા બજાર વિસ્તારમાં વાહનો દોડાવી કચરો કલેક્ટ કરાવવામાં આવી રહ્યો છે.જોકે કચરો કલેક્ટ કરી રહેલા કર્મચારીઓના સ્વાસ્થ્યની કોઈજ વિભાગ દ્વારા દરકાર લેવામાં આવતી ન હોય તેવા દ્રશ્યો શહેર ખાતે જોવા મળી રહ્યા છે.સોસાયટી વિસ્તારોમાં કચરો લેવા આવતા વાહનોમા ફરજ બજાવતા પુરુષ તથા મહિલા કર્મચારી હેન્ડ ગ્લોવ્ઝ કે અન્ય કોઈ સેફટી વિના કચરો કચરાની ટ્રોલીમાં નાખી રહ્યા છે.તો તેજ કચરાની ટ્રોલીમાં કર્મચારીઓ કચરાને કોઈ પણ સેફટી વિના અલગ અલગ પણ કરતા હોય છે.આ કચરામાં સતત રહેવાથી આ કર્મચારીઓ બીમારીના ભોગ પણ બની શકે છે.ત્યારે મહેસાણા મહાનગર પાલિકા દ્વારા વાહનોમાં કચરો કલેક્ટ કરવા જતાં કર્મચારીઓને સેફટી સાધનો ફાળવવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઊભી થઈ છે.