પૈસા બચાવવા એ સારી બાબત છે, પરંતુ ધ્યાનમાં રાખો કે પૈસા બચાવવાનો પ્રયાસ કરતી વખતે તમે હજારો રૂપિયા ગુમાવી શકો છો. ફોનની સાથે આવેલું ઓરિજિનલ ચાર્જર બગડી જાય પછી ઘણા લોકો પૈસા બચાવવા માટે લોકલ ચાર્જર ખરીદે છે, પરંતુ આ એક ભૂલ ફોનના પરફોર્મન્સ જ નહીં પરંતુ ફોનને પણ બગાડી શકે છે.
આજકાલ મોબાઈલ બ્લાસ્ટ થવાના ઘણા સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. ઘણી વાર મોબાઈલ ગરમ થઈ જાય તો ઘણી વાર હેંગ થઈ તો ક્યારેક ફોન બંધ પણ થઈ જાય છે. જેના પાછળનું મુખ્ય કારણ ફોનનું ઓરિજનલ ચાર્જર વાપરવાની આપણી મોટી ભૂલ છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ઉતાવળમાં લોકો ફોનનું અસલી ચાર્જર ઘરે ભૂલી જાય છે અને પછી ઓફિસમાં જઈને સહકર્મીઓ પાસેથી ચાર્જર માંગે છે. ઘણા લોકો વિચારે છે કે આમાં ખોટું શું છે? તમે જાણતા-અજાણતા તમારી આ ભૂલો તમને મોંઘી પડી શકે છે. કેવી રીતે તમને જાનમાલને લઈ મોટું નુકશાન પહોંચાડી શકે છે? કરીએ એક નજર..
સ્માર્ટફોન બ્લાસ્ટઃ
જો તમે તમારા ફોન માટે લોકલ અથવા અન્ય કોઈ કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો છો, તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે જેમ કે ફોનની બેટરીને નુકસાન થઈ શકે છે. બેટરી સિવાય ફોનમાં ઓવરહિટીંગની સમસ્યા થઈ શકે છે જેના કારણે વિસ્ફોટનું જોખમ વધી શકે છે. લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની સ્ક્રીન અને હાર્ડવેરમાં પણ સમસ્યા આવી શકે છે.
ચાલો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ, ધારો કે તમારો સ્માર્ટફોન 18 વોટ ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે પરંતુ તમે માર્કેટમાંથી જે લોકલ ચાર્જર લાવ્યા છો તે ફોનને 80 વોટની સ્પીડથી ચાર્જ કરે છે. હવે આ કિસ્સામાં, સ્થાનિક ચાર્જર તમારા ફોનમાં વધુ ગરમી ઉત્પન્ન કરવાનું શરૂ કરશે અને વધુ ગરમી ઉત્પન્ન થવાને કારણે, ફોન વિસ્ફોટ થઈ શકે છે. માત્ર લોકલ ચાર્જર જ નહીં, જો તમે કોઈપણ અન્ય કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો છો તો પણ આ જ થઈ શકે છે, તેથી જ્યારે પણ તમે ફોનને ચાર્જ કરો ત્યારે ફોન સાથે આવેલું ઓરિજિનલ ચાર્જર જ વાપરો.