ભૂજના ઓપન થિયેટરમાં બંધ પડી રહેલા સરકારી વાહનમાં આગ લાગવા મુદ્દે ખુલાસો થયો છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બંધ સરકારી વાહનમાં આગ ચાંપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ મોટો ખુલાસો થયો છે.
મોઢા પર રુમાલ બાંધી આવેલા વ્યક્તિએ આગ લગાવી
મોઢા પર રૂમાલ બાંધીને આવેલા વ્યક્તિએ વાહનમાં આગ લગાવી હતી. જો કોઈ અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે કેમ આ વ્યક્તિએ બંધ પડી રહેલા સરકારી વાહનમાં આગ લગાવી. હાલમાં આ સમગ્ર મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હાથ ધરી છે.
ભૂજના ગોરેવલીમાં આવેલા ઘાસના ગોડાઉનમાં આગ
બીજી તરફ ભૂજના ગોરેવલીમાં આવેલા ઘાસના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વનવિભાગ હસ્તકના ગોડાઉનમાં આગ લાગી છે. જો કે ગોડાઉનમાં આગ લાગવાની કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોડાઉનમાં હજારો કિલો ઘાસનો જથ્થો ભરેલો હતો.