રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષથી બંધ કરવાના નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા ગુજરાતમાં ઠેર-ઠેર આંદોલન કરાયું હતુ જેને લઈ ભાજપના પ્રવકતા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે,અને કહ્યું કે,મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ થઈ છે.
ABVPના આંદોલન મુદ્દે પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન
SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ બંધને લઈ પ્રવકતા મંત્રીનું કહેવું છે કે,કોલેજોની ગરબડના કારણે શિષ્યવૃતિ બંધ કરવામાં આવી છે,કોલેજ મેનેજમેન્ટ કોટાથી ભરાતી હતી અને કોલેજ જે બેઠકો ભરતી હતી તેમાં ગરબડ થતી હોવાથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ થઈ છે.
વિધાર્થીઓમાં રોષની લાગણી છે
રાજ્ય સરકારના મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં મેનેજમેન્ટ કવોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એન્જિનિયરિંગ, નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશીપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે અને રોષની લાગણી પ્રસરી છે.જેને પગલે એબીવીપી સંગઠન દ્વારા શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 2024 -25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં ન આવે અને ગવર્મેન્ટ કવોટા સીટોને મેનેજમેન્ટ કવોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવેલી માંગણી સાથે એબીવીપી સંગઠન અને વિધાર્થીઓનો વિરોધ હતો.