USA Deported indian : અમેરિકામાં ઘુસણખોરી કરીને ગેરકાયદે પહોંચેલા 104 ભારતીયોને અમેરિકન લશ્કરના વિમાનમાં મોટા આતંકવાદી હોય તેવું વર્તન કરીને લાવવામાં આવ્યા હોવાનો આરોપ અમદાવાદ પહોંચેલા લોકોએ કર્યો હતો. ડીટેન્શન સેન્ટરથી તમામને હાથ પગમાં સાકંળ બાંધીને વિમાન સુધી લાવવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકોની સાંકળ અમૃતસર ખાતે ઉતર્યા બાદ ખોલવામાં આવી હતી. સાથે સાથે 40 કલાકની મુસાફરી દરમિયાન પુરતુ જમવાનું પણ અપાયું નહોતું. તો એક બાળક તેના પિતાના હાથમાં સાંકળ જોઇને ડઘાઇ ગયું હતું. આમ, તમામ સાથે થયેલા ગેરવર્તનને લઇને પણ રોષ જોવા મળ્યો હતો.