શંખલપુર ધામે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન માં બહુચરના બે દિવસના પાટોત્સવમાં 50 હજારોથી વધુ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડેતા માનું ધામ ગુંજી ઉઠયું હતું.અત્રે ઉલ્લેખનીએ છે કે, આદ્યસ્થાનક ટોડા ધામમાં ભક્તોની લાગણીને ધ્યાને લઇ સને 2013માં 8 ફૂટ ઊંચી માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો.
આ દિવ્ય પ્રસંગની ઊજવણીના ભાગરૂપે યોજાયેલા શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાને ઉજાગર કરતો 12 મો પાટોત્સવ બુધવારે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી સાથે સંપન્ન થયો હતો. પાટોત્સવ નિમિત્તે બે દિવસમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મા બહુચરનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મા બહુચરના સાનિધ્યમાં 26 કલાક ચાલેલી અખંડ આનંદના ગરબાની ધૂનમાં ઉ.ગુ. સહિત રાજ્યભરમાંથી પધારેલા 460થી વધુ ગરબા મંડળની 9500 જેટલી બહેનોએ માથે ગરબો ધારણ કરી તન-મનની શુદ્ધિ ભૂલી ગરબે ઘુમતા જાણે સ્વયં જગદંબા ગરબે રમતી હોય તેવું અલૌકિક વાતાવરણ ઊભું થવા પામ્યું હતું. બુધવારે બપોરે ધૂનની પૂર્ણાહુતિ પ્રસંગે ટોડા મંદિરના ચેરમેન કાળીદાસ પટેલ, ટ્રસ્ટી મોહનભાઇ દેસાઇ, નરભેરામભાઇ સોરિયા, યજ્ઞ યજમાન જમનભાઈ પટેલ, દાતા જોલીબેન મહેતા સહિત આનંદ ગરબા મંડળના ભક્તોનું માતાજીનીછબી આપીને સન્માન કરાયું હતું. સાંજે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી પ્રસંગે મા બહુચરના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. મંદિરને નયનરમ્ય ફૂલો તેમજ રંગબેરંગી રોશનીથી શણગારાયું હતું. માતાજીના દર્શનાર્થે પધારતા માઈભક્તો માટે રહેવા જમવાની વ્યવસ્થા મંદિર દ્વારા ઉભી કરવામાં આવી હતી. ભાવિકોએ તમામ જવાબદારીઓ માતાજીના ચરણોમાં અર્પણ કરીને બે દિવસ ઉત્સાહ અને ઉમંગભેર લાભ લીધો હતો.