મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડ પર અનેક કાચા પાક્કાં દબાણોનો ખાત્મો બોલાવી દેવાયો હતો. જેમાં રાધનપુર સર્કલથી બાયપાસ સુધીમાં પોણા ચાર કિલોમીટર સુધીના અંતરમાં આવેલ 180 જેટલા દબાણો દૂર કરી રસ્તાની બાજુમાં માર્જિનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
જોકે હાલમાં મનપાની ટીમ સુરત મનપાની મુલાકાતે હોઈ 2 દિવસ આ દબાણ હટાવવાની કામગીરીને વિરામ આપવામાં આવ્યો છે. જ્યારે બાંધકામ શાખા દ્વારા મનપા દ્વારા તોડી પડાયેલ દબાણોનો કાટમાળ હજુ ત્યાં જ પડયો હોઈ તેને દૂર કરી તે જગ્યા પાર્કિંગ સહિત માટે ઉપયોગી બને તે માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
મહેસાણા મનપાએ રાધનપુર રોડ પરના બન્ને બાજુ પર આવેલ દબાણોને દૂર કરવા 356 જેટલા દબાણ કર્તાઓને નોટીસ આપી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણ અંગે મનપાની ટીમે 4 દિવસમાં રાધનપુર રોડથી બાયપાસ જવાના રસ્તા પરની બાજુમાં આવેલ અંદાજે પોણા ચાર કિલોમીટરના અંતરમાં 175 જેટલા કાચા પાક્કા દબાણો તોડી પાડયા હતા. એક સાથે મોટી માત્રામાં તોડયા બાદ ત્યાં જમીન પર પડેલ કાટમાળ દૂર કરવા બાંધકામ શાખા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે 2 દિવસ બાદ બાયપાસથી રાધનપુર સર્કલ તરફ્ આવતા માર્ગની બાજુમાં આવેલ માર્જિનની જગ્યાના દબાણો પર મનપાનું બુલડોઝર ફેરવવામાં આવનાર છે. જે કાર્યવાહીથી વધુ 185 જેટલા દબાણો દૂર થવાનો અંદાજ રહ્યો છે.