મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં જમીન રી-સર્વેના પ્રમોલગેશનમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ રી-સર્વે માટે જિલ્લાની લેન્ડ રેકર્ડ કચેરીમાં અરજીઓનો મારો થયો છે. સમગ્ર જિલ્લામાંથી 83,550 ખેડૂત અરજદારોએ આ કચેરીમાં ફેર માપણી માટે અરજીઓ કરી છે. જેમાંથી તંત્ર દ્વારા 23,578 અરજીઓનો માપણી કરી નિકાલ કરવામાં આવ્યો છે. આ પૈકી 14,690માં માપણી કરાઈ છે જયારે 8,888 અરજીઓ દફતરે કરાઈ છે. જો કે, હજુ જિલ્લામાં પ9,97ર માપણીની અરજીઓ હજુ પણ પેન્ડીંગ છે. કડી તાલુકામાં સૌથી વધુ 19,144, બીજા નંબરે વિજાપુર 13,718 તેમજ મહેસાણા તાલુકામાં 11,476 ખેડૂતોઓ વાંધા અરજીઓ દાખલ કરી છે. જિલ્લાની લેન્ડ રેકર્ડ કચેરીમાં અરજદારોએ અનેક ધક્કા ખાવા છતાં સ્ટાફના અભાવે ફેર માપણીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે.
મહેસાણા જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાના 10 તાલુકામાં જમીન માપણી માટે કુલ 12 સર્વેયરો ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં થયેલી જમીન રી-સર્વેની કામગીરી બાદ વાંધા અરજીઓના નિકાલની કાર્યવાહી પૂર્ણ કરવા માટે નાયબ નિયામક દ્વારા સ્થાનિક કચેરીના કુલ 12માંથી 9 સર્વેયર અને અન્ય જિલ્લામાંથી 27 સર્વેયર મળીને કુલ 36 સર્વેયરની ટીમ ગત જુલાઈ મહિનાથી કામે લગાડવામાં આવી છે. જે સર્વેયરો દ્વારા બાકી રહેતી જમીન માપણી અને અરજી દફતરે કરવાની કામગીરી કરાઈ રહી છે.
તેમ છતાં જમીન રી-સર્વેની કામગીરીમાં ખૂબ જ વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો ખેડૂત વર્ગમાંથી ઉઠી છે. તંત્ર દ્વારા કામગીરીમાં ગતિ લાવવામાં આવે તેવી માંગણી પણ અરજકર્તાઓ દ્વારા કરવામાં આવી છે.
વાંધા અરજીઓનો નિકાલ થવામાં વિલંબ આ કારણે થાય છે
જિલ્લામાં રી-સર્વેની વાંધા અરજીઓનો નિકાલ કરવામાં તંત્રને અમુક બાબત કનડગત કરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી જમીન સંપાદનની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. જેમાં સરકારના મહત્વના પ્રોજેક્ટ ગણાતા ભારતમાલા, રેલવે સંપાદન, નેશનલ હાઈવે 68 સંપાદન, બેચરાજી અને વડનગર-ધરોઈ જેવા વિવિધ અગત્યના પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. જેમાં સંપાદનની કામગીરી માટે સર્વેયરોનું મહેકમ રોકાઈ ગયેલું છે. એટલે અન્ય જિલ્લાના માત્ર 27 સર્વેયરોથી વાંધા નિકાલની કામગીરી મંદ ગતિએ થઈ રહી છે. જે બધા કારણોને લઈને રી-સર્વેની વાંધા અરજીઓનો નિકાલ સમયસર થઈ શકતો નથી.
25 ગામોના રી-સરવે કરી વાંધા અરજીનો નિકાલ કરાયો
લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા જિલ્લાના 25 ગામની રી-સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત જુલાઈ મહિનામાં સર્વેયરોની ફાળવણી બાદ કલ્ચર પધ્ધતિ એપ્રોચથી આખે-આખા ગામની માપણી પૂર્ણ કરવામુાં આવી છે. જેને લઈને 25 ગામની રી-સર્વેની વાંધા અરજીઓનો નિકાલ થઈ ગયો છે.
જિલ્લાના 540 ગામોમાં પ્રોપર્ટી કાર્ડની કામગીરીમાં પણ સર્વેયરો રોકાઈ ગયા છે
સરકારની સ્વામીત્વ યોજનાની કામગીરી જિલ્લાના 540 ગામોમાં ચાલી રહી છે. જેમાં આઠ સર્વેયરો અને નવ સિનિયર સર્વેયરો પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત કરી દેવામાં આવ્યા છે. જો કે, તેમના દ્વારા જિલ્લામાં એક લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડની કામગીરી પૂર્ણ કરી છે. જો કે, તેમની વ્યસ્તતાના કારણે વાંધા અરજીના નિકાલમાં સમસ્યા ઉભી થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.