રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબીના છૂપા દર્દીઓ શોધવા માટે 7 ડિસેમ્બરથી 100 દિવસ સઘન ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરવેની કામગીરીમાં ટીબીના નવા 174 દર્દીઓ મળી આવ્યા છે. કોર્પોરેશન સિવાયના જિલ્લાના વિસ્તારોમાં નવા 174 કેસ સાથે 2024માં ટીબીના કુલ કેસનો આંકડો 3762 પર પહોંચ્યો છે. 2023ના વર્ષમાં જિલ્લામાં ટીબીના 3734 દર્દી નોંધાયા હતા. 2022માં 3389 જ્યારે 2021માં 3382 કેસ ટીબીના સામે આવ્યા હતા.
સઘન ઝુંબેશને લઈને જિલ્લા તમામ આયુષ્માન આરોગ્ય કેન્દ્રોમાં 152થી વધુ નિક્ષય શિબિરો યોજાઈ હતી. જેમાં 53,776 થી વધુ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 5204ના એક્સ-રે કરવામાં આવ્યા તથા 1894 વ્યક્તિઓનું લેબોરેટરી ટેસ્ટીગ તથા 539 NAAT ન્યુક્લિક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ) તપાસ કરવામાં આવી હતી. જેમાં 39 વ્યક્તિ ગળફાની તપાસમાં જ્યારે 46 વ્યક્તિ એક્સરેની તપાસમાં પોઝીટીવ આવ્યા હતા. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટીબી રોગને નાબૂદ કરવાના ભાગરૂપે 7 ડિસેમ્બરથી 100 દિવસ સઘન ઝુંબેશ શરૂ કરાઈ છે. દેશના 347 જેટલા જિલ્લા અને શહેરી વિસ્તારમાં ટીબીનો રોગ થવાની સંભાવના હોય ત્યાં સંઘન કામગીરી ચાલી રહી છે. ઝુંબેશ અંતર્ગત હાઇરીસ્ક ગૃપ જેવા કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ, સ્લમ વિસ્તાર, જુના ટીબીના દર્દીઓ, હાલ સારવાર ચાલુ હોય તેવા ટીબીના દર્દીઓ તેમજ તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ ઉપરાંત ડાયાબીટીસ, હાઈપરટેન્શનના દર્દીઓ તથા ઓછી ઈમ્યુનીટી ધરાવતા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવા આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં જિલ્લામાં આવા 1,13,307 જેટલા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવાનો ટાર્ગેટ છે. જેમાં આ તમામ વ્યક્તિઓના એક્સ-રેની તપાસ તેમજ જરૂર જણાય તો લેબોરેટરી ટેસ્ટ (ગળફાની તપાસ) પણ કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં એન.જી.ઓ તરફ્થી એક હેન્ડ હેલ્ડ એક્સ-રે પણ ફળવવામાં આવ્યું છે. જેની મદદથી પણ અઠવાડીયામાં 3 દિવસ એક્સ-રે એક્ષ-રે ની કામગીરી થાય છે, જેના દ્વારા આશરે 1000થી પણ વધુ એક્સ-રે જુદા જુદા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યા છે. તપાસમાં જો ટીબીના માલુમ ન પડે તો CyTB ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેમાં શંકાસ્પદને ઇન્જેક્શન આપી ટીબીનો ચેપ લાગ્યો છે કે નહિ ? તે જાણી શકાય છે અને જો ચેપ હોય તો ટીબી ન થાય તે માટે ટીબી પ્રિવેન્ટીવ થેરાપી આપવામાં આવે છે. જો કોઇને પણ ટીબીના લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી ટીબીની મફ્ત તપાસ કરાવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જે. વૈષ્ણવ અને ડીટીઓ ડો. ડી. પી. પટેલે અનુરોધ કર્યો છે.