ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગે શહેરના તરસમિયા રોડ ઉપર આવેલ રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેટી બચાવોનું અભિયાન સમગ્ર ભારતમાં સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ પૈસાના લાલચુ કેટલાક તબીબો હજુ પણ અધિકારીઓની આંખમાં ધૂળ જોકીને પૈસા માટે લિંગ પરીક્ષણનો ધંધો ખુલ્લે આમ બેખોફ ચલાવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી.
ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે બાતમીના આધારે ભાવનગર શહેરના તરસમિયા રોડ ઉપર આવેલ રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ઝડપાયું છે. વગર ડિગ્રીએ ભાડાના મકાનમાં જાતિ પરીક્ષણ કરતી બોગસ મહિલા ડોકટર સામે આરોગ્ય વિભાગએ કાર્યવાહી કરી છે. ડિગ્રી વગર બનેલી આર્યુવેદીક ડોકટર ક્રિષ્ના કામોઠી અધેવાડા નજીક પોતાનું કલીનીક ચલાવતી હતી. બોગસ મહિલા ડોકટર સોનોગ્રાફીના પોર્ટેબલ મશીનથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હતી.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગએ છટકું ગોઠવીને બોગસ મહિલા ડોકટરનો ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ભાંડો ફોડ્યો છે. ગર્ભ પરીક્ષણ કરવા માટે લોકો પાસેથી આ બોગસ મહિલા તબિબ 15 હજાર જેટલા રૂપિયા વસુલતી હતી, જો કે હાલ આ મહિલા ડોક્ટર ફરાર થઇ ગઇ છે. ડિગ્રી વગરની મહિલા તબીબ સામે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.